કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર - ૨’નું શૂટિંગ તાજેતરમાં ઉત્તરાખંડના દેહરાદૂનમાં ચાલે છે. એની સાથે જ ફિલ્મના કલાકારોનું રંગબેરંગી પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યું છે અને ફિલ્મના કલાકારોની ઓળખ પણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા આપવામાં આવી છે. પહેલી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નું ડિરેક્શન કરણ જોહરે જ કર્યું હતું, પણ બીજી ફિલ્મનું ડિરેક્શન પુનિત મલ્હોત્રા કરે છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે આ ફિલ્મમાં બે હિરોઇન્સ દેખાશે. એક હીરોઈન હશે અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા અને બીજી હિરોઈન છે તારા સુતરિયા. ચંકી પાડે અને ભાવના પાંડેની ૧૯ વર્ષની દીકરી અનન્યા બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિશ અને પોપ્યુલર સ્ટારપુત્રી ગણાય છે.
તારા મોડેલ, ડાન્સર, સિંગર અને વીડિયો-જોકી પણ છે. ઇન્સ્ટાગ્રામ પર ૮૨,૦૦૦ ફોલોઅર્સ ધરાવતી તારાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગુઝારિશ’, આમિર ખાનની ‘તારે ઝમીન પર’ અને ‘ડેવિડ’ જેવી ફિલ્મના ગીતોમાં સ્વર પણ આપ્યો છે.

