ક્લીન યમુના પ્રોજેક્ટ્સના લાભાર્થે હેરોમાં ચેરિટી રાસગરબા

Wednesday 16th May 2018 07:19 EDT
 
ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી જગજિત સિંઘ તેમના પત્ની સાથે મીણબત્તી પ્રગટાવતા નજરે પડે છે.
 

ભારતની ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગોકુળમાં યમુના નદીના કિનારે પર્યાવરણના રક્ષણ માટેના પ્રોજેક્ટ્સના લાભાર્થે હેરોમાં પ્રિયા સંગ ચેરિટી દ્વારા રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી રાસગરબામાં ૧૦,૦૦૦ પાઉન્ડ કરતા વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ની સહાયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી જગજિત સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પારલે પટેલે સૌને ગરબાના કેટલાક સ્ટેપ્સની તાલીમ આપી હતી. પત્ની સાથે હાજર રહેલા જગજિતસિઘે મીણબત્તી પ્રગટાવીને રાસગરબાનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્રાસંગિક પ્રવચનમાં જગજિતસિંઘે પ્રદૂષિત નદીની સુધારણા માટે જાગૃતિ લાવવા તેમજ ફંડ એકત્ર કરવા માટે સૌએ કરેલા પ્રયત્નોને બીરદાવ્યા હતા. જગજિતસિંઘે ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા ઘણાં માળખાકીય પ્રોજેક્ટ્સ તેમજ કાયદાના અમલ માટે લેવાઈ રહેલા પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી.

HFBના પ્રમુખ તૃપ્તિબેનપટેલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને પ્રોજેક્ટસ વિશે માહિતી આપતી અને ખૂબ વ્યવહારિક રીતે પ્રદૂષણમાં ઘટાડો કરવામાં યોગદાન આપતી સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રોજેક્ટસ માટે ભંડોળ એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


comments powered by Disqus