ફ્લોરિડાઃ ફ્લોરિડાના ગુજરાતી મૂળના ડોક્ટર નવલ પરીખના ઘરેથી એક ૧૮ વર્ષીય મોડેલનો મૃતદેહ મળ્યો હતો. ઓલ્યા લેંગલી નામની ઉભરતી મોડેલના શરીરમાંથી બેહદ ડ્રગ્સનું પ્રમાણ જોવા મળ્યું હતું. ડ્રગ્સ લીધા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા અને પછી ભેદી રીતે મોડેલનું મૃત્યુ નીપજ્યું હતું.
ફ્લોરિડાની બ્રોવર્ડ હેલ્થ હોસ્પિટલમાં કાર્યરત ગુજરાતી ડો. નવલ પરીખના એપાર્ટમેન્ટમાંથી ૧૮ વર્ષની મોડેલ ઓલ્યા લેંગલીનો મૃતદેહ મળ્યો હતો. એ પછી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે જણાયું હતું કે મોડેલનું મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે.
કોકેઈન સહિતના ડ્રગ્સનું સેવન કર્યા પછી બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફોર્ડ લોડરડેલ પોલીસે જણાવ્યું હતું કે મોડેલનું મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝથી થયું છે તે સાચી વાત છે, પરંતુ એમાં મર્ડરની શક્યતા નહીંવત છે.
જોકે, ઓલ્યાના પરિવારે એ થિયરીને નકારી દીધી હતી. ફેસબુક પેજમાં ઓલ્યા વતી એવી પોસ્ટ મૂકવામાં આવી હતી કે મોડેલ સાથે સહમતીથી સેક્સ થયું નથી. પરિવારે પણ ડોક્ટર સાથે મોડેલના શારીરિક સંબંધો અંગે આ શંકા વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા અપડેટ પ્રમાણે મોડેલ પાર્ટીમાં હતી
આ ઘટના ૨૬મી માર્ચની રાતે બની હતી. તે પહેલાં મોડેલ ઓલ્યાએ ફેસબુક ઉપર છેલ્લી પોસ્ટ મૂકી હતી. એ પોસ્ટમાં તેણે દસેક તસવીરો શેર કરી હતી અને તેમાં લખ્યું હતુંઃ ‘ગ્રેટ મિઆમી વીકએન્ડ વીથ માય ગર્લ્સ...’ સવાલ એ થાય છે કે જો ઓલ્યા ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જોય કરતી હતી તો ડોક્ટરના એપાર્ટમેન્ટમાં કેવી રીતે પહોંચી?
ડો. નવલ પરીખનું શું કહેવું છે?
પોલીસે ૪૧ વર્ષના ગુજરાતી મૂળના ડો. નવલ પરીખની પૂછપરછ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે તે મોડેલ ઓલ્યાને ફોર્ડ લોડેરડેલના બીચની નજીકમાં એક બારમાં મળ્યો હતો. બંનેએ સાથે ડ્રિંક લેવાનું શરૂ કર્યું હતું. ડ્રિંક લીધા પછી બંનેએ ડોક્ટરના એપાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યું હતું. ડોક્ટર નવલ પરીખના ઘરે આવ્યા પછી બંનેએ કોકેઈનનું સેવન કર્યું હતું. એટલું જ નહીં સિગારેટથી ગાંજાનો નશો પણ કર્યો હતો અને તે પછી સહમતીથી સેક્સ માણ્યું હતું.
ડો. નવલ પરીખના કહેવા પ્રમાણે શારીરિક સંબંધો બાંધ્યા પછી બંને ઉંઘી ગયા હતા. ઓલ્યા બેડ ઉપર સૂતી હતી અને તે સોફા ઉપર આવીને સૂઈ ગયો હતો. સવારે ત્રણ વાગ્યે નવલ પરીખની ઊંઘ ઉડી ત્યારે ઓલ્યાના નસકોરા તેણે સાંભળ્યા હતા. જ્યારે તેની ઊંઘ સવારે ૯ વાગ્યે ઉડી ત્યારે તેણે ઓલ્યાને બેભાન અવસ્થામાં જોઈ હતી. એ પછીની ૧૦ મિનિટમાં તેણે પોલીસને જાણ કરી હતી.

