લંડનઃ ઓફિસ અવર્સ દરમિયાન જેલમાં પુરાઈ ગયા હોય એવું અનુભવતા કર્મચારીઓને પસંદ પડે તેવું સૂચન આરોગ્ય વિભાગે કર્યું છે. ઇંગ્લેન્ડના જાહેર આરોગ્ય વિભાગે સૂચન કર્યું છે કે, મિટિંગ માટે ટેબલ પર બેસી રહેવાને બદલે મિટિંગ દરમિયાન પણ ચાલતા રહેવું જોઈએ. એ માટે હરતીફરતી મિટિંગ ગોઠવવા માટે સત્તાવાર મંજુરી મળવી જોઈએ, જેથી આખો દિવસ ટેબલ પર બેસી રહેતા કર્મચારીને મહત્ત્વની ચર્ચાની સાથે સાથે થોડીક કસરત પણ થઈ જાય. કામકાજ દરમિયાન પણ ઊર્જા મેળવવા લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરવા ઇંગ્લેન્ડના જાહેર આરોગ્ય વિભાગ કેટલાક સૂચનો કરાયા છે.
તેનું કહેવું છે કે ચર્ચા માટે ઓફિસમાં બેસી રહેવાને બદલે હરતાફરતા વાતો થાય તો તેનાથી તણાવ પણ ઘટે છે અને પીઠનું દર્દ પણ ઘટે છે, મેદસ્વિતા પણ નિયંત્રણમાં રહે છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડન્કન સેલ્બીએ એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે ટેબલની સામે લાંબો સમય બેસી રહેવાથી તમારી ઉત્પાદકતાને પણ અસર થાય છે.
એક ટિપ્પણી કરતાં તેમણે જણાવ્યું હતું કે, વધુ ચાલતા રહો, ઊભા થાવ અને બેસો... ચાલતા ચાલતા મિટિંગ કરો. ફક્ત ઓફિસમાં જ ચાલો એમ નહીં, મિટિંગ માટે બહાર પણ જઈ શકો. મિટિંગ માટે તાજી હવા પણ મળી રહે.
થોડું ચાલવાનું રાખશો તો બેઠાડુ જીવનમાં રાહત મળશે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે માલિકોએ સમજવું જોઈએ કે ચાલવું એ વધુ અગત્યનું છે. આપણે બેઠાડું જીવન જીવીએ છીએ. આપણે કામકાજ દરમિયાન પણ થોડુંક ચાલી શકીએ એ કેમ કોઈને સૂઝતું નથી? હરતીફરતી મિટિંગના સમર્થકો કહે છે કે, તેઓ વધુ રચનાત્મક છે. આ પ્રકારનો અભિગમ સહકર્મચારીઓ તેમજ મદદનીશ અને સુપરવાઇઝરો વચ્ચેની આડશ તોડી પાડવામાં મદદરૂપ થઇ શકે છે.

