લંડનઃ બ્રિટનના સૌથી ધનવાન વ્યક્તિઓમાં હિન્દુજા બંધુઓ બીજા ક્રમે પહોંચ્યા છે. દર વર્ષે જાહેર કરાતી આ યાદીમાં પહેલા નંબરે કેમિકલ ક્ષેત્રના ઉદ્યોગપતિ જિમ રેટક્લિફ છે. બ્રિટિશ અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મોગલ ગણાતા સર લેન બ્લેવેન્ટિક આ યાદીમાં ૧૫.૨૬ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. ભારતીય મૂળના ડેવિડ અને સિમોન રુબેન પણ ૧૫.૦૯ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે, જે અગાઉ ત્રીજા ક્રમે હતા. એવી જ રીતે, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ પણ ૧૪.૬૬ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે ચોથાથી પાંચમા ક્રમે પહોંચ્યા છે.
લંડન સ્થિત ઉદ્યોગપતિઓ શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજા ૨૦.૬૪ અબજ પાઉન્ડની સંપત્તિના માલિક છે, જ્યારે રેટક્લિફ ૨૧.૦૫ અબજ પાઉન્ડની મિલકતો ધરાવે છે. ‘સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ’ નામના આ અહેવાલમાં બ્રિટનના એક હજાર ધનવાનોમાં ભારતીય મૂળની કુલ ૪૭ વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ યાદી તૈયાર કરનારા ‘સન્ડે ટાઇમ્સ’ના એડિટર રોબર્ટ વોટ્સે કહ્યું હતું કે, બ્રિટન બદલાઇ રહ્યું છે. એક સમયે ‘સન્ડે ટાઇમ્સ’ની યાદીમાં પેઢી દર પેઢી ધનવાન હોય એવા લોકોને જ સ્થાન મળતું હતું. હવે જાત મહેનતે ઉદ્યોગો સ્થાપીને આગળ વધેલા લોકો ધનવાન બન્યા છે અને બની રહ્યા છે. વોટ્સે કહ્યું હતું, ‘અત્યારે ચોકલેટ, સુશી અને પેટ ફૂડનો બિઝનેસ કરતા લોકો પણ ધનવાન છે. અમે ઈચ્છીએ છીએ કે, આવા જુદા જુદા ક્ષેત્રમાંથી હજુ વધુને વધુ લોકો સફળ થાય. ’
આ પ્રકારના લોકોએ સ્કૂલના દિવસોથી મહેનત કરીને વિવિધ બિઝનેસમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું હોય છે. આ યાદીમાં પહેલો નંબર મેળવનારા રેટક્લિફ પણ જાતમહેનતે ઇનિયોસ કેમિકલ કંપની ઊભી કરીને આ ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિ બન્યા છે.
હિંદુજા બંધુઓએ વર્ષો પહેલાં બ્રિટનમાં વિવિધ ક્ષેત્રમાં શાનદાર પ્રગતિ સાધી હતી. શ્રીચંદ હિંદુજા ૮૨ વર્ષના છે, જ્યારે ગોપીચંદ હિંદુજાની ઉંમર ૭૮ છે. હિંદુજા બંધુઓના પરિવારજનો પણ આ બિઝનેસમાં સામેલ છે. તેઓ આઈટી, ઊર્જા, મીડિયા, બેંકિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રમાં કંપનીઓ ધરાવે છે.
આ યાદીમાં ભારતના અન્ય ઉદ્યોગપતિ પ્રકાશ લોહિયા ૨૫મા ક્રમે છે. સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતી ઈન્ડોરામા કંપનીના માલિક લોહિયા ૫.૧૫ અબજ પાઉન્ડની સંપત્તિના માલિક છે. આ ઉપરાંત બ્રિટિશ ધનવાનોમાં સિમોન, બોબી અને રોબિન અરોરા, કિરણ મજુમદાર શો, લોર્ડ સ્વરાજ પોલ અને નવીન-વર્ષા એન્જિનિયર, માથુર પરિવારના રાજ, ટોની અને હરપાલ તેમજ હોટેલિયર જસમિન્દર સિંહ અને પરિવારનો સમાવેશ થાય છે. વધુ વિગત માટે જુઓ એશિયન વોઈસ તા.૧૯.૫.૨૦૧૮ પાન નં. ૬ અને ૭.

