લંડનઃ પ્રિન્સ હેરી અને અમેરિકન અભિનેત્રી મિસ મેગન મર્કેલ શનિવાર ૧૯ મેએ પ્રભૂતામાં પગલાં માંડશે. ભવ્ય શાહી લગ્નના પડઘમ વાગી રહ્યાં છે અને આખરી તૈયારીઓ પૂરજોશમાં છે. આ લગ્ન અનેક રીતે વિક્રમસર્જક અથવા રેકોર્ડબ્રેક બની રહેશે કારણકે વિશ્વનાવર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખો સહિતના રાજકારણીઓ કે નજીકના ગણાતાં સગાંઓને પણ લગ્નમાં આમંત્રિત કરાયા નથી. અરે, યુકેના વડા પ્રધાન થેરેસા મે અને સરકારના પ્રધાનો કે વિપક્ષના નેતાઓને આમંત્રણ અપાયા નથી. જે લોકોને આમંત્રિત કરાયા છે તેમાંથી પણ સંખ્યાબંધ મહેમાનોને પોતાના લંચની વ્યવસ્થા ખુદ કરી લેવા જણાવાયું છે. અન્ય મહત્ત્વની બાબત એ છે કે વેડિંગ બ્રેકફાસ્ટ માટે બેસવાની વ્યવસ્થા રખાશે નહિ. વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ હોલમાં ૬૦૦ મહેમાનો માટે નવતર ફેશન મુજબ ‘બાઉલ ફૂડ’ પીરસવાની વ્યવસ્થા છે અને મહેમાનો ઉભા ઉભા અને હરતાંફરતાં જ ભોજન માણશે.
આ મહેમાનો માટે ક્વીનના કિચન સ્ટાફ દ્વારા ભોજનની તૈયારી કરાઈ રહી છે.બિઝનેસ ઈવેન્ટ્સમાં ‘બાઉલ ફૂડ’ લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે કારણકે મહેમાનો ભોજનની સાથોસાથ અન્ય લોકો સાથે હળવામળવાનું પણ કરી શકે છે. જોકે, શાહી લગ્ન માટે આવી પસંદગી જરા વિચિત્ર લાગે તેમાં નવાઈ નથી. જોકે, પ્રિન્સ અને મિસ મર્કેલ શક્ય તેટલા વધુ પ્રમાણમાં મહેમાનો સાથે હળીમળી શકે તે માટે આ વિકલ્પ અપનાવાયો છે. આ ઉપરાંત, લગ્નની સાંજે પ્રિન્સ ચાર્લ્સ દ્વારા ફ્રોગમોર હાઉસ ખાતે ૨૦૦ મહેમાનો માટે અલગથી ડિનરનું પણ આયોજન કરાયું છે.
ક્વીન દ્વારા લંચટાઈમ રિસેપ્શન
મહેમાનો માટે ક્વીન દ્વારા લંચટાઈમ રિસેપ્શનનું સત્તાવાર આયોજન કરવામાં આવ્યું છે. આશરે અઢી કલાકના કાર્યક્રમમાં કેક કાપવાનો અને પ્રવચનોનો સમાવેશ થશે. બકિંગહામ પેલેસના સ્ટાફના જણાવ્યા અનુસાર મહારાણીની ખુદની એસ્ટેટ્સમાં ઉગાડાતાં સીઝનલ બ્રિટિશ ઉત્પાદનોમાંથી ‘ક્લાસિક ડિશીઝ’ તૈયાર કરવામાં આવશે અને દરેક કોળિયો એવી રીતનો હશે કે માત્ર બે વખત નાના ટુકડા લેવાથી તે પૂરો થઈ જશે. રોયલ શેફ માર્ક ફ્લેનેગાનના વડપણ હેઠળ ૩૦ સભ્યની કેટરિંગ ટીમ રસોઈની જોરશોરથી તૈયારીમાં લાગી છે. રોયલ શેફના કહેવા મુજબ લગ્ન એવા સમયે ગોઠવાયાં છે, જ્યારે તમામ બ્રિટિશ શાકભાજીની મોસમ પૂરબહારમાં છે. રોયલ શેફ તેમની ક્લાસિક ડિશીઝ વિશે વિગતે વાત કરતા નથી, પરંતુ આ સીઝનમાં સૂરણ, વટાણા અને ટામેટા વિપૂલ પ્રમાણમાં પાકે છે, જેનો ઉપયોગ તેઓ કરશે. જોકે તેઓ કહે છે કે શનિવાર, ૧૯મેના લગ્ન રિસેપ્શન માટે તેઓ કોઈ પ્રયોગ કરવાના નથી અને નીવડેલી સ્વાદિષ્ટ વાનગીઓ જ તૈયાર કરાશે.
પ્રિન્સ અને નવવધૂએ રિસેપ્શનના મેનુની પસંદગી કરી
પ્રિન્સ હેરી અને નવવધૂ મેગન મર્કેલે તેમના લગ્નના રિસેપ્શન માટેના મેનુની પસંદગી કરી છે અને મોટા ભાગની આઈટમ્સનો ટેસ્ટ પણ કર્યો છે. આ દંપતીએ અવારનવાર ગ્રેટ કિચનની મુલાકાત લઈ મેનુ માટે સૂચનો કરવા સાથે સેમ્પલોનો સ્વાદ માણ્યો છે. ગ્રેટ કિચન ૧૪મી સદીના મોનાર્ક એડવર્ડ ત્રીજાના શાસનથી કાર્યરત છે. દેશમાં સૌથી પુરાણા ગણાતા આ કિચન દ્વારા ૩૦થી વધુ રાજા-રાણીઓની સેવા થઈ છે. રોયલ શેફ માર્ક ફ્લેનેગાનના કહેવા અનુસાર,‘અમે જાણીએ છીએ કે લગ્નના મેનુમાં તમામ સ્થાનિક સીઝનલ પેદાશોનો ઉપયોગ કરાય તેવી નવદંપતીની ઈચ્છા છે. તેઓ મેનુની પસંદગીની બારીક બાબતો સાથેપણ સંકળાયેલા રહ્યા છે.
મેગન ‘સ્વાદરસિયણ’ છે અને તે પોતાની લાઈફસ્ટાઈલ વેબસાઈટ પણ ચલાવતી હતી, જેમાં તેનાં પ્રિય વ્યંજનો અને રેસ્ટોરાંની માહિતી અપાતી હતી. ભાવિ સસરા પ્રિન્સ ચાર્લ્સની માફક મેગનને પણ ઓર્ગેનિક પેદાશો વધુ પસંદ છે.

