પ્રિન્સ હેરી-મેગનના લગ્નખર્ચમાં ક્વીનનો મુખ્ય હિસ્સો

Wednesday 16th May 2018 07:49 EDT
 
 

પ્રિન્સ હેરી અને હોલિવૂડ અભિનેત્રી મેગન મર્કેલ ૧૯મેએ લગ્નગ્રંથિથી જોડાશે. આ લગ્ન વર્ષનું સૌથી મોટું લગ્ન મનાય છે. આ લગ્ન પાછળ ૨.૮૧,૦૦,૦૦૦ પાઉન્ડનો જંગી ખર્ચ થનાર છે. જોકે, આ ખર્ચમાં નવદંપતીના હનીમૂન અને સિક્યુરિટી પાછળના ખર્ચનો સમાવેશ થતો નથી. Bride Book વેબસાઈટ દ્વારા કુલ ખર્ચ ૩૨ મિલિયન પાઉન્ડ (૪૫.૮ મિલિયન ડોલર)થી વધુ થવાનો અંદાજ મંડાયો છે. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ (પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન)ના ૨૦૧૧ના શાહી લગ્નની સરખામણીએ આ લગ્નની ભવ્યતા ઓછી જ હશે છતાં, લગ્નખર્ચને અધધ.. કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.

સામાન્યપણે લગ્નનો ખર્ચ નવવધૂના પરિવાર ઉઠાવતો હોય છે, પરંતુ ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો આગ્રહ એવો છે કે પ્રિન્સ વિલિયમના લગ્નનો ખર્ચ શાહી પરિવારે ઉઠાવ્યો હોવાથી પ્રિન્સ હેરીની બાબતે પણ તેઓ આમ જ કરશે. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજના ૨૦૧૧ના શાહી લગ્નમાં ૨૩.૭ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. મિડલટન પરિવાર દ્વારા નવવધૂ કેટનાં વસ્ત્રો માટે ૪૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. પેલેસ દ્વારા જણાવાયા મુજબ ક્વીન અને પરિવાર દ્વારા કરાનારા ખર્ચમાં ચર્ચ સર્વિસ, મ્યુઝિક, ફૂલગૂંથણી, ડેકોરેશન-સુશોભન અને રિસેપ્શનના ખર્ચનો સમાવેશ થનાર છે.


comments powered by Disqus