લંડનઃ કારમાં નશાની હાલતમાં મુસાફરી કરી રહેલી ૨૭ વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યા પછી તેની સાથે ફોટા પાડનારા સ્ટ્રેધામમાં રહેતા ૩૮ વર્ષીય ઉબેર ડ્રાઈવર મુહમ્મદ દુરાનીને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે બળાત્કાર માટે ૧૨ વર્ષ અને હુમલો કરવા બદલ ૮ વર્ષની જેલ ફરમાવી હતી. તેણે આ બન્ને સજા સાથે ભોગવવાની રહેશે. તોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ઉબેર પ્રતિષ્ઠિત કંપની હોવાથી મહિલાએ તેના મિત્રની મદદથી ટ્રીપ બુક કરાવી હતી.
આ મહિલા ગયા જુલાઈમાં ક્લેફામની મ્યુઝિક ક્લબની બહારથી તેની કારમાં બેઠી હતી. તેણે વધુ પડતા પ્રમાણમાં શરાબપાન કર્યું હોવાથી તે કારની પાછળની સીટ પર સૂઈ જ ગઈ હતી. દુરાનીએ સૂતેલી મહિલાના ફોટા પાડ્યા હતા. તેના ઘરે પહોંચ્યા પછી તેને કારમાંથી ઉતારી હતી. ઘરના દરવાજે પહોંચીને મહિલા ચાવી શોધતી હતી. દુરાની તેને ઉંચકીને પાછો કારમાં લાવ્યો હતો અને તેની સાથે ફોટા પાડ્યા પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
કોર્ટમાં દુરાનીનો બચાવ કરી રહેલી મેરી સ્પેનવિને જણાવ્યું હતું કે આ તેનો એકમાત્ર ગુનો હતો અને યુકેમાં રહેતા દુરાનીના સંબંધીઓ અને વતન પાકિસ્તાનમાં રહેતા પરિવારજનોએ તેનું ચારિત્ર્ય સારું હોવાની લેખિત રજૂઆત મોકલી હતી.

