બહેનના લગ્નમાં આમંત્રણ માટે ઓરમાન ભાઈની આજીજી

Wednesday 16th May 2018 08:06 EDT
 
 

મેગન મર્કેલના ઓરમાન ભાઈ થોમસ મર્કેલ જુનિયરે શાહી લગ્નમાં આમંત્રણ આપવાની આજીજી સાથે ખુલ્લો પત્ર લખ્યો છે. અગાઉ, આ જ ભાઈએ પ્રિન્સ હેરીને લગ્ન રદ કરવા જણાવ્યું હતું. મેગન અને થોમસ જુનિયરના પિતા એક જ છે, પરંતુ માતા અલગ છે. ૧૯ મેના લગ્ન સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ નહિ મળવાથી ‘મારી લાગણી ઘવાઈ છે અને આમંત્રણ મોકલવામાં હજી પણ મોડું થયું નથી, તેમ યુએસસ્થિત ઓરેગોનના ૫૧ વર્ષીય થોમસ મર્કેલ જુનિયરે પત્રમાં જણાવ્યું છે. અગાઉ, જુનિયરે ૧૯ મેના લગ્ન ‘શાહી લગ્નના ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ બની રહેશે’ તેમ જણાવતી નોંધ પ્રિન્સને પાઠવી હતી, જેમાં મેગન પર ‘થાકી ગયેલી, છીછરી અને મિથ્યાભિમાની સ્ત્રી’ જેવાં આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રહારો માટે માફી માગતા તેણે ખુલ્લા પત્રમાં જણાવ્યું છે કે ‘મારો ગુસ્સો વ્યક્ત કરવા બદલ હું દિલગીર છું , પરંતુ આમંત્રણ નહિ મળવાથી હું નિરાશ અને વ્યાકુળ થયો છું. હું તમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું. મેગ, હું જાણું છું કે હું સંપૂર્ણ નથી અને આપણા પરિવારમાં કોઈ સંપૂર્ણ નથી, પરંતુ સારો કે ખરાબ, આ તારો જ પરિવાર છે.’


comments powered by Disqus