બિઝનેસવુમન લખબીર ટર્નર ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી

Wednesday 16th May 2018 06:29 EDT
 
 

લંડનઃ ક્રુશિયલ ટ્રેડ્સની ડિરેક્ટર અને બે સંતાનોની માતા ૪૦ વર્ષીય લખબીર ટર્નર તેના લિંકનશાયરના માર્કેટ રેસનના નિવાસસ્થાનેથી મૃત હાલતમાં મળી આવી હતી. મૂળ વુલ્વરહેમ્પટનની લખબીરનો લગ્નસંબંધ તૂટી ગયો હતો અને ઘટના સમયે તેઓ બાળકો વિના એકલા રહેતા હતા. લખબીરે તેમના પૂર્વ પતિને મેસેજ પણ મોકલ્યો હતો કે હવે તેના માટે કશું બાકી રહ્યું નથી.

લખબીરના ગળા પર લાલ નિશાન હતા તેથી શરૂઆતમાં તેના પૂર્વ પાર્ટનર ક્રિસ્ટોફર ટર્નર શંકાના ઘેરામાં હતા. પરંતુ, લખબીરના મૃત્યુ વખતે પોતે ડેવોનમાં હોવાનું પૂરવાર કરતા તેમને ક્લીન ચીટ મળી હતી. જોકે, લિંકનશાયર ફાયર એન્ડ રેસ્ક્યુએ આગ ઈરાદાપૂર્વક લગાવાઈ હોવાનું તારણ જણાવ્યું હતું.

જોકે, બાથરૂમમાંથી લાઈટર મળી આવતા તેના મૃત્યુનું રહસ્ય ઉકેલાઈ ગયું હતું. સીસીટીવી ફૂટેજમાં પણ લખબીર કેનમાં જ્વલનશીલ પદાર્થ લઈને ઘરમાં આવી હોવાનું જણાયું હતું. બાથરૂમનો દરવાજો બંધ હોવાથી આગ ઘરના બાકીના ભાગમાં ફેલાઈ ન હતી.

લખબીરના ૪૫ વર્ષીય ભાઈ અમરજીત ધામીએ જણાવ્યું હતું કે તે છેલ્લા થોડા વર્ષથી બીમાર હતી. પરંતુ, તે પહેલા તેનામાં ખૂબ આત્મવિશ્વાસ હતો.

લખબીર મેન્ટલ હેલ્થ સર્વિસીસ અને તેની GP સર્જરીના સતત સંપર્કમાં હતી પરંતુ, તેઓ તેને આ અંતિમ પગલું ભરતા અટકાવી શક્યા ન હતા. કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ગયા વર્ષે પ સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું તેના ત્રણ મહિના અગાઉ તેણે પ્રિસ્ક્રિપ્શનની દવાના ત્રણ ઓવરડોઝ લીધા હતા.


comments powered by Disqus