એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL)થી પીડાતી પાંચ વર્ષની કૈયા પટેલ માટે જીવનરક્ષક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક જરૂર હોવાનું જાહેર થતાં જ યુકેમાં વસતા ભારતીયોમાં જાણે કે સ્ટેમ સેલ ડોનેશન માટે જનજાગૃતિનો જુવાળ ઉભો થયો છે. માસુમ કૈયાનું નામ ઘરઘરમાં ગુંજતુ થઇ ગયું છે અને સૌ કોઇ સ્ટેમ સેલ માટે પોતાનું નામ નોંધાવી રહ્યા છે. વોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર પર કદાચ આટલી જનજાગૃતિ કદી દેખાઇ નથી. કૈયાના પેરન્ટ્સ રુચિત અને અન્નુ પટેલ બ્લડ કેન્સર ચેરિટીઝને સ્ટેમ સેલનું ડોનેશન કરવા એશિયન સમુદાયના લોકોને અપીલ કરી રહ્યા છે જેથી કૈયાને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની તક મળે.
રુચિત અને અન્નુ પટેલ મૂળ ગુજરાતના ધર્મજ અને નડિયાદના વતની છે. તેઓ ભારતીય મૂળના હોવાથી ડોક્ટરોએ જણાવ્યું હતું કે તે એશિયન હોવાથી મેચ મળવામાં મુશ્કેલીને લીધે તેની બચવાની તક ૩૦ ટકા કે તેના કરતાં પણ ઓછી છે. રિકમન્સવર્થના લાઉડવોટરની કૈયા પટેલને ગઈ ૨૮ માર્ચે સારવાર માટે તાકીદે વોટફર્ડ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેને થોડા અઠવાડિયા માટે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ફોર ચીલ્ડ્રનમાં રાખવામાં આવી હતી અને ત્યાં તેનું નિદાન થયું હતું.
આ પ્રકારનું ભાગ્યેજ જોવા મળતું કેન્સર બોન મેરોને અસર કરે છે એટલે કે તેના શરીરમાં ખૂબ વધુ પ્રમાણમાં શ્વેત કણો બને છે. આ કેન્સરથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને ક્લોટિંગની કામગીરીને અસર થાય છે. તાકીદે તબીબી સારવાર એટલે કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો તે જીવલેણ નીવડી શકે છે.
આ નિદાન થયા બાદ કૈયાને કેમોથેરાપી, બ્લડ ટ્રાન્સફ્યુઝન, સ્ટરોઈડ્સના હાઈ ડોઝ, કમરમાં પંક્ચર સહિતની સારવાર અપાઈ છે. જોકે, આ બધું થવા છતાં તેનો સ્કૂલનો અભ્યાસ અને ૩ વર્ષની નાની બહેનની સંભાળ લેવા માટે રુચિત અને અન્નુ પટેલ અટક્યા નથી. દેખતા જ વ્હાલી લાગે તેવી કૈયાને દોડવાનું, જિમ્નાસ્ટિક્સ અને બેલે ડાન્સ કરવાનું ગમે છે. તેના પિતાના જણાવ્યા મુજબ ડોક્ટરો સારવાૃ માટે વારંવાર સોય મારે તે ગમતું ન હોવા છતાં કૈયાએ તેની રમૂજવૃત્તિ જાળવી રાખી છે.
કૈયાના મામા નીક અને મામી પ્રિયા દેસાઈએ સમાજમાં સ્ટેમ સેલ ડોનેશનની પ્રવૃત્તિ વિશે જાગૃતિના અભાવ અંગે ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું. આ પ્રોસીજર ઈન્વેસિવ હોવાથી લોકોનો ઉત્સાહ પડી ભાંગે છે. આ મંતવ્ય ખોટી માન્યતા છે. આ એક સાદી અને સરળ પ્રોસીજર છે. તેમાં થોડા સમય માટે તકલીફ લાગે છે. પરંતુ, તેનાથી ટૂંકા કે લાંબા ગાળાની સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ થતી નથી. DKMS બ્લડ ચેરિટી મુજબ સ્ટેમ સેલ બેથી ચાર અઠવાડિયામાં ફરી બની જાય છે અને ડોનર બે-ત્રણ દિવસમાં તેનું રોજિંદુ જીવન જીવી શકે છે. જો કૈયા કે તેના જેવા માસુમ બાળકને નવજીવન મળતું હોય તો શું આપણે થોડી તકલીફ સહન ન કરી શકીએ? મોટે ભાગે સાઉથ એશિયન લોકો સ્ટેમ સેલનું દાન કરતા અચકાતા હોવાથી કૈયા જેવા બાળકો માટે યુકેમાં પુરતા સ્ટેમ સેલ મળી શકતા નથી. કૈયા અને તેના જેવા બાળકોને સાઉથ એશિયન લોકોના જ સ્ટેમ સેલ મેચ થાય છે અને માટે આપણે સૌએ જ આગળ આવવું જરૂરી છે.
કૈયાને બચાવવા માટે યુકેના એશિયન અને ખાસ કરીને ભારતીયોમાં ભારે જુવાળ જાગ્યો છે. BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પોતાના વિવિધ મંદિરો - સેન્ટર્સ અને મંડળોમાં સ્ટેમ સેલ દાતાઅોને તપાસ માટે આગળ આવવા અપીલ કરી છે. આજ રીતે યુકેની વિવિધ યુનિવર્સિટીઝના હિન્દુ સ્ટુડન્ટ યુનિયન, શીશુકુંજ અને અન્ય સંસ્થાઅોએ પણ દાતાઅોને આગળ આવા અને પોતાના નામ નોંધાવવા અપીલ કરી છે. વોટ્સએપ ગૃપ અને સોસ્યલ મિડીયામાં કૈયા માટે મોટી માત્રામાં લોકો અપીલ કરી રહ્યા છે. યુકેના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભારતીયો ઉત્સાહપૂર્વક કૈયા માટે સુયોગ્ય દાતા માટે અપીલ કરી રહ્યા છે.
આપ કૈયાને અથવા તેના જેવા બીમાર બાળકોને મદદ કરવા યોગ્ય છો કે નહીં તેની ચકાસણી ત્રણ સ્થળે થઈ શકશે. ૧) એન્થની નોલાન – આપ ૧૬થી ૩૦ વર્ષના હો તો આપે ચીક સ્વેબ ટેસ્ટ કરાવવો પડશે અને તેના માટે આપ www.anthonynolan.org પર ઓર્ડર આપી શકશો. ૨) NHS – આપ ૧૭ અને ૪૦ વર્ષની વચ્ચેના હો તો કોઈપણ NHS બ્લડ ડોનર સેન્ટરમાં સાદો બ્લડ ટેસ્ટ કરાવવાનો રહેશે. પરંતુ, આપે તેમને જણાવવું પડશે કે આ બ્રિટિશ બોન મેરો રજિસ્ટ્રી (BBMR) માં જોડાવા માગો છો અને ૩) DKMS – આપની વય ૧૭થી ૫૫ વર્ષ હોય તો આપે ચીક સ્વેબ ટેસ્ટ કરાવવો પડશે અને તેના માટે આપ www.dkms.org.uk પર ઓર્ડર કરી શકો છો. ભારતમાં રહેતા આપના પરિવારજનો કૈયાને મદદરૂપ થવા માગતા હોય તો તેઓ bmstindia.org.in અથવા datri.org અથવા mdrindia.org. પર સ્ટેમ સેલ ડોનેશન માટે નોંધણી કરાવી શકશે.

