મેગન મર્કેલના પ્રિન્સ હેરી સાથે શનિવાર, ૧૯ મેના શાહી લગ્નમાં નવો ફણગો ફૂટ્યો છે. અત્યાર સુધી મેગનના ૭૩ વર્ષીય પિતા થોમસ મર્કેલ કન્યાવિદાયની એટલે કે કન્યાને ચર્ચમાં લગ્નવેદી સુધી લઈ જવાની રસ્મ નિભાવવાના હતા. પરંતુ, તેમની કહેવાતી અસ્વસ્થતા અને હાર્ટ એટેકના કારણે છેલ્લી ઘડીએ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે થોમસ મર્કેલ લગ્નમાં જ હાજરી આપવાના નથી ત્યારે મેગનની માતા ડોરીઆ રેગલેન્ડ તેમનું સ્થાન લઈ શકે છે. એવા પણ અહેવાલો છે કે પ્રિન્સ ચાર્લ્સ અથવા પ્રિન્સ વિલિયમ આ રિવાજ નિભાવે અથવા મેગન ખુદ જ લગ્નવેદી સુધી એકલી ચાલીને જઈ શકે છે. જોકે, આ બાબતે સત્તાવાર જાહેરાત થઈ નથી. પાપારાઝીઓ સાથે મળીને ખાસ તસવીરો પડાવવાનું બહાર આવ્યા પછી થોમસ મર્કેલ પુત્રીને વધુ ક્ષોભમાં મૂકવા ઈચ્છતા નથી. જોકે, પિતાના નિર્ણયે નવવધૂ મેગનને વ્યથિત અવશ્ય કરી છે.
મેગનના પિતા થોમસ મર્કેલે છેલ્લી ઘડીએ લગ્નમાં હાજર નહિ રહેવાનો આઘાતજનક નિર્ણય જાહેર કર્યા પછી જણાવ્યું છે કે મેગનને વિન્ડસરના સેન્ટ જ્યોર્જ્સ ચેપલ ખાતે લગ્નવેદી સુધી લઈ જવા માટે તેની માતા ડોરીઆ રેગલેન્ડ સારી પસંદગી રહેશે. યોગ ઈન્સ્ટ્રકટર અને સામાજિક કાર્યકર ડોરીઆ પુત્રી સાથે નિકટના સંબંધ ધરાવે છે. બનાવટી તસવીરોના વિવાદના પગલે શનિવારના લગ્નમાં ગેરહાજરીના નિર્ણય પછી તેને બદલાવવા મેગને પિતાને ઘણી વિનંતી કરીહોવાનું પણ મનાય છે. પરંતુ તેઓ કથિત હાર્ટ એટેક પછી મેક્સિકોમાં જ રહેવા માગે છે અને મેગનની માતા લોસ એન્જલસથી યુકે આવવાં નીકળશે તેમ પણ અહેવાલો જણાવે છે. પ્રિન્સ હેરીએ ગયા વર્ષે ડોરીઆ સાથે મુલાકાત કરી છે, પરંતુ થોમસ મર્કેલને મળ્યા નથી. શાહી લગ્નમાં માતા કન્યાને લગ્નવેદી સુદી લઈ જાય તેવી આ પ્રથમ ઘટના નથી. ક્વીન વિક્ટોરિયાએ પણ ૧૮૮૫માં સૌથી નાની પુત્રી પ્રિન્સેસ બીટ્રીસની કન્યાવિદાયની વિધિ કરી હતી.

