અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુ.કે.એ " Chords of Giving” નું આયોજન શુક્રવાર, ૪ મે ૨૦૧૮ના રોજ કર્યું હતું. એજવેરમાં આવેલ સંગમ સેન્ટરના હોલમાં વડોદરાના સુવિખ્યાત કલાકાર સચિન લીમયે ગ્રૂપે એ સાંજને સંગીતના સૂરોથી મઢી શ્રોતાઓને અભિભૂત કરી દીધા હતા.
સૌ પ્રથમ ફાઉન્ડેશનના દીપીકાબેને શ્રોતાગણનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ચેરમેન ભવાની સિંહે જણાવ્યું હતું, ‘ ભારતમાં તો અમે દરરોજ ૧.૭ મિલિયન બાળકોને પૌષ્ટિક ભોજન ‘મીડ ડે મીલ’ સ્કીમ હેઠળ પૂરૂં પાડીએ છીએ. તેના પરિણામે કેટલાય પરિવારો ગરીબીની ગર્તામાંથી બહાર નીકળ્યા છે એ એક પુણ્યનું કામ છે. જ્યાં રહીએ છીએ એ કર્મભૂમિ પ્રત્યેની આપણી ફરજ ચૂક્યા નથી! યુ.કે.માં પણ ૩ મિલિયન ભૂખ્યાઓને ભોજન પૂરૂં પાડવાની યોજના હાથ ધરી છે. જેના લાભાર્થે આ સાંજના આયોજનમાં અમને સાથ આપનાર સૌ કોઇનો હાર્દિક આભાર માનીએ છીએ.’ આ શુભ કાર્યની સુવાસનો એક સ્વાનુભવ વર્ણવતા લાગણી સભર બનતા જણાવ્યું હતું કે, “ અક્ષય પાત્રકી અજીબ બાત હૈ કી જીતના ભી ખર્ચ કરૂં, બઢતા જાતા હૈ ફિર ભી હમારા પાત્ર કભી ખાલી નહિ રહતા હૈ.”
" મધુબન ખુશ્બુ દેતા હૈ…જીના ઉસકા જીના હૈ, જો ઔરોંકો જીવન દેતા હૈ….જીના ઉસીકા નામ હૈ….જેવા ગીતો, ગઝલ, ભજન, સૂફી સંગીત અને શેર-શાયરીથી એ ભરપુર સંધ્યામાં નવોદિત કલાકાર કાવ્યા લીમયેના કંઠનો કરીશ્મા શ્રોતાઓના દિલો-દિમાગને સ્પર્શી ગયો.
સંગીતભરી એ શામના સમાપનમાં અત્રે ભૂખ્યાઓને અક્ષયપાત્ર દ્વારા જે ભોજન અપાય છે એનો આસ્વાદ કરાવ્યો.
અન્ન-દાન અને વિદ્યા દાનનો મહિમા વાગોળતા વાગોળતા સૌએ વિદાય લીધી.

