સ્ટોકહોમઃ સારી ઊંઘથી સુંદરતા વધતી હોવાનો દાવો સ્વિડિશ વિજ્ઞાનીઓએ કર્યો છે. તેમનું કહેવું છે કે જે લોકો ઊંઘમાં કાપ મૂકે છે અથવા પૂરી ઊંઘ નથી લેતા તે અન્યોને ઓછા આકર્ષિત કરી શકે છે. તેમને મળવા અને તેમની સાથે વાત કરવાનું લોકો ટાળે છે. લોકો તેમને ઓછા હેલ્ધી અને અનફ્રેન્ડલી પણ સમજે છે. સ્ટોકહોમ યુનિવર્સિટીની ટીમે લોકોની સૂવાની રીત પર કરેલા સંશોધનના આધારે આ ખુલાસો કર્યો છે.
વિજ્ઞાનીઓના મતે કોઈના ચહેરાની સુંદરતા બગાડવા એક-બે રાતની ખરાબ ઊંઘ પણ પૂરતી છે. ઓછી ઊંઘથી આંખોની આજુબાજુ કાળા ડાઘ થઇ જાય છે. આંખો સૂજી જાય છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વિજ્ઞાનીઓએ સંશોધનમાં યુનિવર્સિટીના ૨૫ વિદ્યાર્થીની પસંદગી કરીને તેમને એક કિટ આપી હતી. બાદમાં તેમની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાયો હતો.
વિદ્યાર્થીઓને પહેલાં સતત બે રાત સારી ઊંઘ કરવાનું અને એક સપ્તાહ બાદ રાત્રે માત્ર ચાર ક્લાક સૂવા માટે કહેવાયું. બંને વખત વિદ્યાર્થીઓની તસવીરો લેવાઈ હતી. આ પછી વિજ્ઞાનીઓએ અજાણ્યા લોકોને આ તસવીરો બતાવીને તેમનું મંતવ્ય માગ્યું. એમ પણ પૂછાયું કે શું તમે આ લોકો સાથે હળવા-મળવાનું પસંદ કરશો? થાકેલા (અપૂરતી ઊંઘ લેનારા) વિદ્યાર્થીઓ સાથે હળવા-મળવાના મુદ્દે લોકોનો મત નકારાત્મક હતો, પરંતુ સારી ઊંઘ લેનારા વિદ્યાર્થીઓ તરફ બધા લોકો આકર્ષિત થયા, તેમને પસંદ કર્યા અને સુંદર પણ ગણાવ્યા હતા. સંશોધનના મુખ્ય લેખક ટીના સુંડેલિનનું કહેવું છે જે લોકો વધુ આકર્ષક દેખાય છે, તેઓ વધુ સામાજિક પણ હોય છે. તે સારા દેખાય છે. ઓછી ઊંઘથી થાક અનુભવાય છે અને કામ પર અસર થાય છે. બીજી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવાના અનેક કારણ હોય છે. દરેક પોતાના પાર્ટનરને એટ્રેક્ટિવ અને એનર્જેટિક જોવાનું પસંદ કરે છે. સંશોધન આપણને યાદ અપાવે છે કે આપણા માટે પૂરતી ઊંઘ કેટલી જરૂરી છે.

