મેગન અને હેરીના શાહી લગ્નનાં વરઘોડા માટે કઈ બગીનો ઉપયોગ કરાશે તે બહાર આવ્યું છે. મેગન અને હેરી લગ્ન કરવા વિન્ડસર ટાઉનમાં થઈ વિન્ડસર કેસલ તરફ જશે. આ વરઘોડામાં એસ્કોટ લેન્ડાઉસ કેરેજ પર તેમણે પસંદગી ઉતારી છે. આ ખુલ્લી બગી વિન્ડસર ગ્રે જાતિના કુલ છ અશ્વો દ્વારા ખેંચવામાં આવશે અને મુખ્ય અશ્વો પિતા-પુત્રની જોડી ‘સ્ટોર્મ અને ટાયરોન’ રહેશે. વરઘોડાના એસ્કોર્ટ્સ તરીકેની ફરજ હાઉસહોલ્ડ કેવેલરી માઉન્ટેડ રેજિમેન્ટ બજાવશે. ક્વીન વિક્ટોરિયાના સમયથી શાહી પરિવારના શિષ્ટાચારી સમારંભો માટે વિન્ડસર ગ્રે જાતિના અશ્વો મહત્ત્વની કામગીરી બજાવતા આવ્યા છે. શાહી પરિવાર પાંચ એસ્કોટ લેન્ડાઉસ બગીઓ ધરાવે છે. બગી સરઘસનો આરંભ વેડિંગ સર્વિસ પછી બપોરના એક વાગ્યાથી થશે. જો લગ્નના દિવસે વરસાદી વાતાવરણ હશે તો વિકલ્પ તરીકે સ્કોટિશ સ્ટેટ કોચનો ઉપયોગ કરાશે. એસ્કોટ લેન્ડાઉ કેરેજમાં ફરતાં મેગન અને પ્રિન્સ હેરીને નિહાળવા વિન્ડસરની શેરીઓમાં ઓછામાં ઓછાં ૧૦૦,૦૦૦ લોકો કતાર લગાવશે તેવી ધારણા છે. સરઘસના માર્ગને ધજા-પતાકાઓથી શણગારવામાં આવશે.

