‘રુસ્તમ’ના યુનિફોર્મની હરાજી મામલે અક્ષયકુમારને નોટિસ

Thursday 17th May 2018 07:08 EDT
 
 

લશ્કરના ૧૧ અધિકારીઓ તથા અન્ય આઠ જણાએ ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર તથા તેની પત્ની અને લેખિકા ટ્વિન્કલ ખન્નાને કાયદેસરની નોટિસ મોકલી છે. ફિલ્મ ‘રુસ્તમ’માં આ અભિનેતાએ પહેરેલા નૌકાદળના ગણવેશની હરાજીથી સશસ્ત્ર દળોની લાગણી સાથે રમત રમવાનો આક્ષેપ તેમણે આ યુગલ સામે કર્યો છે. નોટિસ મોકલનારા આ જૂથમાં નૌકાદળના એક અધિકારીનાં પત્ની તથા સાત નિવૃત્ત અફસરોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે અભિનેતાએ આ પોશાકની ગણના નૌકાદળના અસલ ગણવેશ તરીકે કરી છે તે આઘાતજનક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષયકુમારે પાણીના બચાવ તથા રક્ષણ માટે કામ કરતી એક બિનસરકારી સંસ્થા (એનજીઓ)ની સહાય માટે ૨૬મી એપ્રિલે આ પોશાક હરાજીમાં મૂક્યો છે અને હાલમાં તેની બોલી રૂ. ૨,૩૫,૦૦૦ સુધી પહોંચી છે.
નોટિસમાં જણાવાયું છે કે સશસ્ત્ર દળોના ગણવેશ સાથે દેખાવમાં સરખા લાગતો આ પોશાક રાષ્ટ્રીય સલામતી માટે જોખમની સંભાવના ઊભી કરે છે.


comments powered by Disqus