લંડનઃ લેસ્ટર ઈસ્ટ MP કીથ વાઝે NHSની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે નેશનલ એવોર્ડ માટે પ્રો. કમલેશ ખૂંટીને લેસ્ટર ઈસ્ટ મત વિસ્તારના ઓફિસિયલ નોમિની જાહેર કર્યા હતા. તેઓ હેલ્ધીયર કોમ્યુનિટીઝ એવોર્ડ માટે સ્પર્ધામાં છે. પ્રો.ખૂંટીએ તેમનું જીવન મેડિસીન અને રિસર્ચ પાછળ સમર્પિત કર્યું હતું. તેમણે લગભગ ૫૦૦ રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા.
હાલ પ્રો. ખૂંટી યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસીનના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓ ટાઈપ ૨ ડાયાબિટીસ માટે જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેન્ટર લેસ્ટર ડાયાબિટીસ સેન્ટર (LDC)ના કો-ડિરેક્ટર છે.
તેમના કાર્યની ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ સ્ક્રિનીંગ અને મેનેજમેન્ટ માટેની અને હેલ્થ કેરના વ્યવસાયિકો માટેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા પર પ્રભાવ થયો હતો. તેનો અર્થ એ કે આ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા કોઈપણ દર્દીની સારવાર માટે ક્લિનિશીયન્સને માર્ગદર્શન આપવામાં માર્ગદર્શિકા મદદરૂપ થઈ હતી.
NHSમાં અને તેની સમાંતરે કાર્ય કરનાર વ્યક્તિઓએ આપેલા વિશિષ્ટ યોગદાનની પ્રશંસા માટે IBM દ્વારા સ્પોન્સર NHS70 પાર્લામેન્ટરી એવોર્ડસની શરૂઆત કરાઈ હતી. ઈંગ્લેન્ડના તમામ MP ને દર્દીઓને અપાતી લોકલ હેલ્થ અને કેર સર્વિસને વધુ બહેતર બનાવવા યોગદાન આપનારા નોમિનિઝના નામ જાહેર કરવા જણાવ્યું હતું.
કીથ વાઝ MP એ જણાવ્યું હતું, ‘ લેસ્ટરમાં રહેતી દરેક વ્યક્તિ આપણી લોકલ NHS અને કેર સર્વિસ માટે ગૌરવ અનુભવે છે. NHSમાં કાર્યરત અથવા તેને સપોર્ટ કરતા લોકોના યોગદાનને બીરદાવવા અને તેમનો આભાર માનવાના માર્ગ તરીકે હું NHS70 પાર્લામેન્ટરી એવોર્ડસમાં ભાગ લઈ રહ્યો છું.’
NHSની ૭૦મી વર્ષગાંઠના આગળના દિવસે ૪થી જુલાઈએ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે.

