હિન્દી ફિલ્મજગતના મોસ્ટ ગોર્જીયસ કપલ અર્જુન રામપાલ અને મહેરે તેમના અલગ પડવાની વાત થતી અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં આ વાતને સમર્થન આપતું સંયુક્ત નિવેદન કર્યું છે. અર્જુન-મહેર છેલ્લા ૨૦ વર્ષથી લગ્ન સંબંધે બંધાયેલા હતા. બન્ને માટે આ પગલું ખૂબ જ અઘરું છે પણ તેઓ આ નિર્ણયને બને તેટલું ડીગ્નિફાઇડ રીતે આગળ વધારી રહ્યા છે. કપલે જણાવ્યું હતું કે, ‘અમને એમ લાગે છે કે અહીંથી હવે અમારે જુદી-જુદી દિશાઓમાં આગળ વધવું જોઈએ.' મહેર અને અર્જુનને બે સુંદર દીકરી છે - જેમાં માહિકા ૧૬ વર્ષની જ્યારે માયરા ૧૩ વર્ષની છે.
સંયુક્ત સ્ટેટમેન્ટમાં બન્નેએ એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે, બન્ને જ્યારે એકબીજાને જરૂર હશે ત્યારે તેમની મદદે ચોક્કસ આવશે. ખાસ કરીને દીકરીઓને બાબતમાં આ બન્ને સંયુક્ત રીતે જ નિર્ણય કરશે.
સંયુક્ત નિવેદન
‘પ્રેમ અને સુંદર યાદોથી ભરેલી અમારી ૨૦ વર્ષ લાંબી જર્ની પછી અમે શેર કરવા માંગીએ છીએ કે અમે બન્નેએ એકબીજાથી અલગ પડવાનું નક્કી કર્યું છે. અમને લાગે છે કે અમારે હવે અલગ અલગ રસ્તે જવાની જરૂર છે...
અમે એકબીજાથી છુટા પડીને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. અમે હંમેશા એકબીજાની પડખે ઊભા રહ્યા છીએ. અમે એકબીજાથી છુટા પડીને નવી સફરમાં પણ અમારા નજીકના લોકો અને એકબીજાની પડખે ઊભા રહીશું...
અમે બન્ને ખૂબ જ પ્રાઇવેટ લોકો છીએ ત્યારે આ રીતે સ્ટેટમેન્ટ આપતા અમને પણ વિચિત્ર લાગે છે. પણ, અમારી જિંદગીના સંજોગો એવા છે કે જેમાં સત્ય ક્યાંય દૂર ખોવાઇ જવાની શક્યતા છે...
અમે એક પરિવાર છીએ. અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ હંમેશા અકબંધ રહેશે. અમે જરૂર પડશે ત્યારે એકબીજાના પડખે ઊભા રહીશું. ખાસ કરીને અમારી દીકરીઓ માહિકા અને માયરા માટે. અમે આ સમય દરમિયાન અમારી પ્રાઇવસી જળવાઇ રહે તેમ ઇચ્છીશું. તમારા અત્યાર સુધીના સપોર્ટ અને પ્રેમ બદલ આભાર...
રિલેશનશિપ્સ તૂટી શકે છે, પણ પ્રેમ હંમેશા અકબંધ રહે છે...
અમે આ વિશે વધારે કશું જ કહેવા નથી માગતા.’

