ડબ્લીન, લંડનઃ રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં ગર્ભપાત સંબંધિત ૩૫ વર્ષ જૂના આઠમા બંધારણીય સુધારાના કાયદામાં બદલાવ લાવવામાં મહિલાઓને ઐતિહાસિક વિજય મળ્યો છે. અત્યંત ચુસ્ત કેથોલિક ધર્મ પાળતા આયર્લેન્ડમાં એબોર્શનને ગેરકાયદે ગણી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આયર્લેન્ડમાં આ મુદ્દે શુક્રવાર, ૨૫મેએ આયોજિત અભૂતપૂર્વ રેફરન્ડમમાં ૬૬.૪૦ ટકા લોકોએ ગર્ભપાતને કાયદેસર બનાવવાની જોરદાર તરફેણ કરી છે. જ્યારે ૩૩.૬૦ ટકાએ વિરુદ્ધમાં મત આપ્યો છે. એકમાત્ર ડોનેગલ મતક્ષેત્રમાં ૫૧.૯ ટકા લોકોએ આઠમા સુધારાને જાળવી રાખવાની તરફેણ કરી હતી. હજુ ૨૦૧૫માં જ આયર્લેન્ડે અન્ય ઐતિહાસિક રેફરન્ડમમાં ૬૨ ટકાની તરફેણ સાથે સજાતીય લગ્નને કાનૂની બનાવવા મતદાન કર્યું હતું. આ વર્ષના અંત સુધીમાં નવો એબોર્શન કાયદો અમલી બનવાની શક્યતા છે. યુકેમાં નોર્ધર્ન આયર્લેન્ડમાં પણ એબોર્શન સંબંધિત કડક કાયદા છે.
પ્રજાનો આ ચુકાદો આયર્લેન્ડ અને મહિલા અધિકારોના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું લેખાશે. તેનાથી બંધારણના આઠમા સુધારાને બદલી નખાશે, જેમાં માતા અને ભ્રૂણના જીવનના અધિકારને સમાનતા બક્ષવામાં આવી છે. આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરડકરે તો ત્યાં સુધી કહ્યું કે આ એક એવો જનમત છે જે એક પેઢીમાં એક વખત જ જોવા મળે છે. તેમણે કહ્યું કે આયર્લેન્ડની મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય અંગે યોગ્ય નિર્ણય લેવાનો અધિકાર છે. મહિલાઓના આ વિજયની નોંધપાત્ર બાબત એ છે કે સમગ્ર અભિયાન પાછળ ભારતીય મહિલા ડેન્ટિસ્ટ સવિતા હલપ્પનવારની કથા છે.
રુઢિચુસ્ત કેથોલિક ધર્મનું પાલન કરતા આયર્લેન્ડમાં છેક ૧૮૬૧થી ગર્ભપાતની મનાઇ હતી. પરંતુ ૧૯૮૩માં બંધારણમાં આઠમા સુધારાના અનુચ્છેદ અનુસાર માતા અને ભ્રૂણને જીવવાનો સમાન અધિકાર અપાયો હતો. હાલમાં, માત્ર સ્ત્રીનું જીવન જોખમમાં હોય તેવા કિસ્સામાં જ ગર્ભપાતની છૂટ અપાય છે. જોકે, બળાત્કાર, સગોત્રી સંબંધો અથવા ભ્રૂણની જીવલેણ અસામાન્યતાના કેસમાં આવી છૂટ નથી. છૂટાછવાયા અપવાદોને બાદ કરતા આયર્લેન્ડમાં ગર્ભપાતને લગતા કાયદાનું કડકાઇથી પાલન કરાય છે. ભારતીય મૂળની ૩૧ વર્ષીય ડેન્ટિસ્ટ સવિતા હલપ્પનવારને વર્ષ ૨૦૧૨માં ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યા સર્જાતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તબિયત લથડતાં સવિતાએ ડોકટરોને એબોર્શન માટે વિનંતી કરી, પરંતુ ભ્રૂણની હત્યા થવાની સંભાવનાએ ડોકટરોએ ગર્ભપાતનો ઇનકાર કરી દીધો. સેપ્ટિક મિસકેરેજ થયાંના એક સપ્તાહ બાદ સવિતાનું મૃત્યુ નીપજ્યું હતું. સવિતાના મૃત્યુ બાદ મહિલા સંગઠનોએ આયર્લેન્ડમાં ગર્ભપાત કાયદામાં ફેરફાર મુદ્દે અનેક વિરોધ પ્રદર્શનો અને આંદોલનો યોજ્યાં હતાં. પરંતુ કેથોલિક બહુમતિના દેશમાં ધર્મચુસ્ત લોકો એબોર્શનને કાનૂની માન્યતા આપવાની વિરુદ્ધ હતાં. વ્યાપક વિરોધના પગલે સરકારે ગર્ભપાતના મુદ્દે કાનૂની સ્પષ્ટતા લાવવાની જાહેરાત કરી હતી.
એક રિપોર્ટ અનુસાર દરરોજ આયર્લેન્ડની સરેરાશ નવ મહિલાઓ ગર્ભપાત કરાવવા બ્રિટન જાય છે. એટલું જ નહિ, રોજ લગભગ ત્રણ મહિલા ડોકટરની મદદ વિના જ ગેરકાયદે એબોર્શનની ગોળીઓ લે છે, જેના પરિણામો ક્યારેક ઘાતક નીવડે છે. ગર્ભપાત મુદ્દે કાયદાકીય સમસ્યાઓને જોતાં આયર્લેન્ડમાં કાયદો દૂર કરવાની ભારે માંગ ઊઠતાં છેવટે સરકારે જનમત યોજનાનું નક્કી કર્યું. આ જનમત યોજવામાં આયર્લેન્ડના ભારતીય મૂળના વડાપ્રધાન લિયો વરડકરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વરડકરે જનમતના નિર્ણયને વધાવતા કહ્યું કે આ જનમતે સાબિત કર્યું કે એક આધુનિક દેશ માટે આધુનિક બંધારણની જરૂર છે.
યુકેના વિમેન એન્ડ ઈક્વલિટીઝ મિનિસ્ટર પેની મોરડોન્ટે કહ્યું છે કે લેન્ડસ્લાઈડ મતદાનથી નોર્ધર્ન આયર્લેન્ડ માટે ‘આશા’ જાગી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેના ગ્રેઈની ટેગાર્ટે કહ્યું હતું કે આયર્લેન્ડની પ્રજાએ ‘વિશ્વભરની સ્ત્રીઓને આશા આપી છે. જોકે, નોર્ધર્ન આયર્લેન્ડમાં હજુ નિયમનકારી એબોર્શન કાયદાઓ છે.

