લંડનઃ સ્કોટિશ સરકારના રિપોર્ટમાં સ્કોટલેન્ડ સ્થળાંતર કરનારા ભાવિ ઈમિગ્રન્ટ્સને નાણાકીય પ્રોત્સાહનો આપવા દરખાસ્ત કરવામાં આવી છે. દેશના અર્થતંત્રને ઉત્તેજન આપવા તેમજ બ્રેક્ઝિટના કારણે ઉપસ્તિત સંજોગોને સરભર કરવા આમ વિચારાયું છે. દેશની આર્થિક તકોના મૂલ્યાંકન માટે સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) દ્વારા સ્થાપિત ‘ધ સસ્ટેનેબલ ગ્રોથ કમિશન’ દ્વારા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માઈગ્રન્ટ્સ માટે કરમાં માફી સહિતના પગલાં સાથે ‘કમ ટુ સ્કોટલેન્ડ’ પેકેજ દાખલ કરવાનું સૂચન કરાયું છે.
આ પગલામાં ઈમિગ્રન્ટ્સને તેમના ઈન્કમ ટેક્સ બિલમાંથી તેમના સ્થળાંતરનાં ખર્ચકપાતની છૂટ મળશે. રિપોર્ટ અનુસાર આવી નીતિથી સરકારને થનારા ખર્ચની સામે વધુ પ્રમાણમાં રેવન્યુ મળી શકશે. કમિશને જણાવ્યું છે કે સ્કોટિશ સરકારની આર્થિક નીતિની ઉચ્ચ પ્રાથમિકતાઓમાં એક સ્કીલ્ડ માઈગ્રન્ટ્સને આકર્ષવાની હોવી જોઈએ. આ નીતિમાં બ્રેક્ઝિટની અસર સરભર કરવાનાં પગલાં હોવાં જોઈએ.
કમિશને માઈગ્રેશન અંગે યુકે ટોરી સરકારના વલણને શત્રુતાપૂર્ણ ગણાવ્યું હતું. યુકે હાલ ઓછામાં ઓછાં ૧૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરનારને જ કાયમી ઈન્વેસ્ટર વિઝા ઓફર કરે છે. આની સામે સ્કોટલેન્ડે ૭૫,૦૦૦ પાઉન્ડ જેટલી નીચી રોકાણમર્યાદા રાખવી જોઈએ તેવું સૂચન કમિશને કર્યું છે. સ્કોટિશ સરકારે દર વર્ષે વધારાના ૫,૦૦૦ ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સ- વિદ્યાર્થીઓને દેશમાં રહેવા આકર્ષવા જોઈએ, જેના માટે કરમાં કાપનાં પ્રોત્સાહનો ઓફર કરી શકાય અને વિઝા જરુરિયાતોમાં ફેરફાર પણ કરી શકાય તેમ પણ કમિશને કહ્યું છે. યુકેની બહાર જન્મેલા અને હાલ સ્કોટલેન્ડમાં વસતા ૪૨૯,૦૦૦ લોકો દેશના અર્થતંત્રમાં ૧.૩ બિલિયન પાઉન્ડનો ફાળો આપતાં હોવાનો અંદાજ છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર અને SNPના નેતા નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે આ રિપોર્ટ આગામી સપ્તાહોમાં સ્કોટિશ આઝાદી વિશેની ચર્ચા પુનઃ આરંભશે.

