લંડનઃ બ્રિટિશ ઓવરસીઝ હેઠળ આવતા એટલાન્ટિક સાગરના સાઉથ જ્યોર્જિયા આઈલેન્ડ ૨૦૦ વર્ષમાં પહેલી વખત ઉંદર મુક્ત થયો છે. સાઉથ જ્યોર્જિયા હેરિટેજ ટ્રસ્ટ (એસજીએચટી)એ જણાવ્યું હતું કે - સાઉથ જ્યોર્જિયા આઈલેન્ડ દુર્લભ ફર સીલ, એલિફન્ટ સીલ્સ, સાઉથ જ્યોર્જિયા પિપિટ, પેંટેલ જેવા સી બર્ડ્સનું એકમાત્ર કુદરતી આશ્રયસ્થાન છે. આ આઈલેન્ડની ૧૭૭૫માં શોધ થઈ હતી. ત્યારથી ત્યાં પ્રવાસીઓના જહાજોની સાથે ઉંદર પણ પહોંચવા લાગ્યા. તેમની સંખ્યા એટલી વધી ગઈ કે તે આ દુર્લભ જીવોના બાળકો અને ઈંડાને ભોજન બનાવવા લાગ્યા હતા. તેનાથી સી બર્ડ્સ ૧૦ કરોડથી ૯૦ ટકા ઘટીને માત્ર ૧૦ લાખ જ બચ્યા હતા. તેને બચાવવા માટે ૨૦૧૧માં દુનિયાનું સૌથી મોટું ઉંદર સફાઈ અભિયાન શરૂ થયું. તે સાત વર્ષ બાદ ગયા એપ્રિલમાં પૂરું થયું હતું. આ અભિયાન પાછળ ૧ કરોડ ૧૧ લાખ પાઉન્ડનો ખર્ચ થયો.
અગાઉ ઉંદરને મારવાનું સૌથી મોટું અભિયાન ગેલપાગોસ આઈલેન્ડમાં ૨૦૧૨માં હાથ ધરાયું હતું. ત્યારે જૈવવિવિધતા બચાવવા માટે ૧૮ કરોડ ઉંદરને ૨૨ ટન ઝેરી દાણા નાંખીને મારવામાં આવ્યા હતા. આ ટાપૂ પર વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને સંશોધન કાર્ય કર્યું હતું.

