મોટાભાગના દેશવાસીઓએ પ્રિન્સ હેરીના મેગન મર્કેલ સાથેના શાહી લગ્ન આરામપૂર્વક ટીવી પર નિહાળ્યા હતા. જોકે, કરુણા મેનોર ખાતે તેની જે રીતે ઉજવણી થઈ તેવી તેમાંથી કોઈએ પણ કરી નહીં હોય.
કરુણા મેનોરના તમામ રહેવાસીઓને એક્ટિવિટિઝ ટીમ દ્વારા ‘શાહી લગ્ન’માં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું હતું. આ તમામને કરુણા મેનોર ખાતે ટેલિવિઝન પર રોયલ વેડિંગ નિહાળતા વેજિટેરિયન આફ્ટરનુન ટી માટે નિમંત્રણ હતું. જોકે, રહીશોને તેટલું જ પૂરતું ન હતું. તેઓ બ્રિટિશ હોવાનો ગર્વ અનુભવતા હતા અને બ્રિટિશ સ્ટાઈલમાં જ તેની ઉજવણી કરવા માગતા હતા. તેઓ તેમના દીકરા અને દીકરી હેરી અને મેગનના લગ્નની ઉજવણી કેટલીક હિંદુ વિધિ પ્રમાણે કરવા ઈચ્છતા હતા.
કરુણા મેનોરે મહેંદી કોન્સ ખરીદ્યા, સૌએ સુંદર વસ્ત્રો પરિધાન કર્યા તથા મહેંદી અને સંગીત સંધ્યાનું આયોજન કર્યું. ભારતીય લગ્નોમાં મહેંદી અને સંગીત સંધ્યામાં ગવાતા પરંપરાગત ગીતો ગાઈને સૌએ ખૂબ આનંદ માણ્યો હતો અને તેનાથી પણ વધુ આનંદની અપેક્ષા સાથે તેઓ સૂવા ગયા હતા. સંગીત અને મહેંદીના કાર્યક્રમમાં તેમને આટલો આનંદ આવ્યો હોય તો કરુણા મેનોરે તેમના માટે લગ્નના દિવસે કેવું આયોજન કર્યું હશે ?
લગ્નના દિવસે તેમને સહેજ પણ નિરાશ કરાયા ન હતા. કરુણાના સ્ટાફ મેમ્બરોએ રોયલ ફેમિલીના સભ્યોના માસ્ક પહેર્યા હતા. પછી તેમની મુલાકાત લીધી હતી. સુંદર ગ્રીન સાડીમાં સજ્જ ‘ક્વીન’એ રહેવાસીઓના ફોટા લીધા અને તેમની સાથે ડાન્સ પણ કર્યો. મેનોરની લોંજને બ્રિટિશ થીમ રૂમમાં રૂપાંતરિત કરાઈ હતી. દરેક ખૂણામાં યુનિયન ફ્લેગ લગાવવામાં આવ્યો હતો અને ટેબલ પર રેડ, બ્લૂ અને વ્હાઈટ પ્લેટ્સ, કપ્સ અને કેક હોલ્ડર્સ મૂકવામાં આવ્યા હતા.
રેડ બસ, પોસ્ટ બોક્સ અને ટેલિફોન બોક્સની ડિઝાઈનમાં કેક્સ બનાવવામાં આવી હતી. ટેલિવિઝન પર રોયલ વેડિંગ દર્શાવાતું હતું ત્યારે સૌએ સાથે બેસીને સેન્ડવીચ અને કપ કેક્સનો સ્વાદ માણ્યો હતો. જોકે, તેમનો આનંદ એટલે જ પૂરો ન થયો. કેટલીક મહિલાઓએ શાહી વિધિને અનુરૂપ ભારતીય લગ્ન ગીતો ગાયા હતા. આખો દિવસ અને રાત સુધી સૌએ ખૂબ મઝા કરી અને ચહેરા પર સ્મિત સાથે સૂવા ગયા. રોયલ વેડિંગની ઉજવણી વિશિષ્ટ રીતે કરી હોય તેવું તેમને સૌને લાગતું હતું.
