કાઉન્સિલર કૃપેશ હિરાણીની બ્રેન્ટના પબ્લિક હેલ્થ કેબિનેટ મેમ્બર તરીકે નિમણુંક

Wednesday 30th May 2018 07:00 EDT
 
 

લંડનઃ તાજેતરમાં યોજાયેલી બ્રેન્ટ કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા બાદ કાઉન્સિલર કૃપેશ હિરાણીની લંડન બરોના પબ્લિક હેલ્થ, કલ્ચર અને લેઝરના કેબિનેટ મેમ્બર તરીકે નિમણુંક કરાઈ હતી. તેઓ ૨૦૧૨થી એડલ્ટ સોશિયલ કેર માટે જવાબદાર કાઉન્સિલર છે અને તેઓ છેલ્લા છ વર્ષથી આ ખાસ પોર્ટફોલિયો સંભાળનારા દેશના સૌથી યુવાન કેબિનેટ અગ્રણી છે. મે ૨૦૧૮ની ચૂંટણીમાં તેઓ લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ડુડન હિલ વોર્ડમાંથી ઉભા રહ્યા હતા અને સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા હતા. દરેક ચૂંટણીમાં વોટની દ્રષ્ટિએ વિજયમાં તેમનો તફાવત વધતો રહ્યો છે. ૨૦૧૦માં તેઓ ૫૦ વોટ, ૨૦૧૪માં ૭૦૦ અને ૨૦૧૮ની ચૂંટણીમાં તેઓ ૧,૪૦૦ વોટના તફાવતથી જીત્યા હતા .

તેઓ હિંદુ સમુદાયમાં ખૂબ જાણીતા છે અને ૨૦૧૨માં લંડનના મેયરની ચૂંટણી વખતે નોર્થ વેસ્ટ લંડનમાં સાદિક ખાનને હિંદુ સમુદાય સાથે સાંકળવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમના નવા પોર્ટફોલિયોમાં પ્રિવેન્શન ઓફ ઈલ હેલ્થ, સ્પોર્ટ અને લેઝર જેવી હાલની જવાબદારીને લાઈબ્રેરી અને લંડન બરો ઓફ કલ્ચર પ્રોગ્રામના અમલીકરણના મહત્ત્વના કલ્ચર પોર્ટફોલિયો સાથે ભેળવી દેવાઈ છે.

અગાઉ મેયર ઓફ લંડન સાદિક ખાને બ્રેન્ટને ૨૦૨૦ માટે લંડન બરો ઓફ કલ્ચર તરીકે જાહેર કરી હતી અને બ્રેન્ટની સંસ્કૃતિ અને વૈવિધ્યને ઉજાગર કરવા બ્રેન્ટ સંખ્યાબંધ કાર્યક્રમો રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આગામી થોડા વર્ષ સુધી સૌની નજર કાઉન્સિલર હિરાણીની કામગીરી પર રહેશે.

હિરાણીએ જણાવ્યું હતું કે બ્રેન્ટમાં એડલ્ટ સોશિયલ કેર સંભાળવું મારા માટે ખરેખર સન્માનની વાત છે. હવે મારી નજર પબ્લિક હેલ્થ, કલ્ચર એન્ડ લેઝરના નેતૃત્વના પડકારો પર છે. લંડનબરો ઓફ કલ્ચર અને UEFA યુરોપિયન ચેમ્પિયનશિપ જેની ફાઈનલ વેમ્બલીમાં રમાવાની છે તેના પર સૌની નજર રહેશે. ડાયેટ અને કસરત પર વિશેષ ધ્યાન સાથે તંદુરસ્ત જીવનશૈલીના વિકલ્પ પસંદ કરવા રહેવાસીઓને પ્રોત્સાહન પૂરું પાડવાની બાબત અમારી જાહેર આરોગ્ય અગ્રીમતા રહેશે.’

તેઓ કેબિનેટમાં એશિયન મૂળના અન્ય પાંચ કાઉન્સિલર લીડર કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, શમા ટેટલર, કૃપા શેઠ, મિલી પટેલ અને ડો. અમર અઘા સાથે કેબિનેટમાં જોડાયા છે.


comments powered by Disqus