લંડનઃ વોટફર્ડ ટાઉનહોલમાં ગઈ તા. ૨૨મેએ યોજાયેલી કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં કાઉન્સિલર રવિ માર્ટિનની વોટફર્ડ બરો કાઉન્સિલના ચેરમેનપદે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ શહેરના સેન્ટ્રલ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના મેન્ટલ હેલ્થ ચેમ્પિયન પણ છે.
તેમણે ચેરમેનની ચેરિટી તરીકે ગાઈડપોસ્ટ્સ ટ્રસ્ટ અને સાઈનપોસ્ટને પસંદ કરી હતી. તેઓ એક વર્ષ સુધી હોદ્દા પર રહેશે અને તેમના માટે ફંડરેઝિંગ કરશે. આ વર્ષ માટેની તેમની થીમ ‘મેન્ટલ હેલ્થ વેલબીઈંગ એન્ડ ઈન્ક્લ્યુઝિવનેસ’ છે. બન્ને ચેરિટી વોટફર્ડ વિસ્તારના માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા લોકોને વિવિધ સપોર્ટ સર્વિસ આપે છે.
કાઉન્સિલર માર્ટિને જણાવ્યું હતું કે તેઓ માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા વધુ લોકોને વોટફર્ડમાં સારવાર મળી રહે તે માટે પ્રયત્નશીલ રહેશે. બે મુખ્ય ચેરિટીના કાર્યોમાં મદદરૂપ થવાની આ તક છે. તેમણે ઉમેર્યું હતું કે નવા ચૂંટાયેલા મેયર પીટર ટેલર સાથે આપણે નવા યુગની શરૂઆત પર છીએ. વોટફર્ડ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે તેમની સાથે મળીને કામ કરવાનું મહત્ત્વનું છે.
મેયર પીટર ટેલરે જણાવ્યું હતું, ‘કાઉન્સિલર રવિ માર્ટિન ચેરમેનપદે ચૂંટાયા છે તેનાથી મને ખૂબ આનંદ થયો છે. તેઓ આપણા શહેરના સારા એમ્બેસેડર બની રહેશે.’
કાઉન્સિલર માર્ટિન કાઉન્સિલર જગતાર સિંઘ ઢિંડસાના સ્થાને ચેરમેન બન્યા હતા, જ્યારે કાઉન્સિલર આસિફ ખાન વાઈસ ચેરમેન નીમાયા હતા.

