આજથી દોઢસો વર્ષ અગાઉ ઇસ્ટ આફ્રિકા જઇ સ્થાયી થયેલ શ્રી વેલજી સવજી ચાંદે અને શ્રીમતી જીવીબેન ચાંદેના પરિવારની આર્થિક અને સામાજિક ક્ષેત્રે ભારે નામના હતી. ઇ.સ.૧૯૧૯માં સૌરાષ્ટ્રના બગસરા ગામ નજીક આવેલ નાનકડા ગામ ઘેડથી શ્રી વેલજીભાઇ ચાંદેએ આફ્રિકા પ્રયાણ કર્યું હતું અને એમના પગલે પગલે એમના નાના ભાઇબહેનો પણ ત્યાં જઇ વસ્યા હતા.
રવિવાર ૧૩ મે, ૨૦૧૮ના રોજ સ્ટેનમોર, લંડન ખાતે શ્રી વેલજી સવજી ચાંદે અને શ્રીમતી જીવીબેન ચાંદેના પાંચ પુત્રોમાંના જ્યેષ્ઠ પુત્ર શ્રી જુઠાલાલ વેલજીના પાંચ પેઢીના વારસદારોનું એક સંમેલન યોજાયું હતું જેમાં પરિવારના સો જેટલા સભ્યો એકત્ર થયા હતા. આ પ્રસંગે શૂન્યમાંથી સ્વબળે, સખત પરિશ્રમ, બુધ્ધિ પ્રતિભા તેમજ દીર્ઘ દ્રષ્ટિના પરિણામે પરિવારનું સામ્રાજ્ય જમાવ્યું એની તવારીખ સહ વિકાસની કેડી કંડારતું, જૂની યાદો તાજી કરતી તસવીરો, પરિવારનું વટવૃક્ષ સમાવતું એક સુંદર પુસ્તક પ્રકાશિત કરાયું જે માઇગ્રેશનના ઇતિહાસના સાક્ષી સમું બની રહેશે. આ સંમેલનમાં પરિવારના સભ્યોને આ પુસ્તક સાદર કરાયું હતું.
ઇસ્ટ આફ્રિકાની નવી રેલ્વે શરૂ થઇ એ જમાનામાં સામાન્ય નાની દુકાનોથી બીઝનેસનો શુભારંભ થયો હતો. ગુજરાતી સાહસિક અને મહેનતુ પ્રજા છે અને બીઝનેસ એમની રગોમાં વહે છે એના સિમાચિહ્ન સમો છે ચાંદે પરિવારના બીઝનેસનો વ્યાપ. ગ્લોબલ બ્રાન્ડના ગ્લોબલ ડીસ્ટ્રીબ્યુશનના રાઇટ જે.વી. ગૃપે મેળવી એને ટ્રેડીંગના વૈશ્વિક સંબંધો જાળવી ટાન્ઝાનીયાની રેલ્વે લાઇનના કુલ રેવન્યુના ૬% થી વધુ હિસ્સો નોંધાવી મેળવેલ સિધ્ધિ અસાધારણ હતી.
આ પુસ્તકમાં કેનેડાથી ચાઇના સુધી જઇ વસેલ પરિવારના સભ્યોની આજના વ્યાપની માહિતીના નક્શા દર્શાવાયા છે. ૧૯૬૦ના દાયકામાં આફ્રિકાની ડામાડોળ રાજકીય પરિસ્થિતીને લક્ષમાં લઇ કુટુંબમાં શિક્ષણને પ્રાધાન્ય આપવાના મકસદને કારણે પરિવારના સભ્યો જુદા જુદા દેશોમાં સ્થળાતંર કરી સ્થાયી થયા છે. નવી પેઢીમાં ડોક્ટર્સ, લોયર્સ, એન્જીનીયર્સ, એકાઉન્ટન્ટ્સ વગેરે પ્રોફેશ્નલ્સ પરિવારનું ગૌરવ છે. આ પુસ્તકમાં દરેક પેઢીનું અનુદાન અલગ અલગ તબક્કે રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ આ સમૃધ્ધ વારસાનું સર્જન શક્ય બન્યું છે જે આગામી પેઢી માટે આશીર્વાદરૂપ બની રહેશે.
આ પુસ્તકના ખાનગી વેચાણની અને દાનની રકમ બગસરાના ચેરિટી કાર્યમાં ખર્ચાશે. આ પુસ્તકના પ્રાઇમરી લેખિકા અને વેલજી સવજીના પૌત્રી સુશ્રી અમી ચાંદેએ જણાવ્યું હતું , ‘ આ પુસ્તક અમારા કુટુંબનો માત્ર સમૃધ્ધ ઇતિહાસ જ નથી પરંતુ અમારા મૂળ સાથે લાંબા સમય સુધી સાંકળી રાખી પ્રેરણા આપતો રહેશે એવી મારી આશા અસ્થાને નથી.’

