ઢોલ દાંડિયા અને ડ્રામા સાથે અભિરાજ મીનાવાલા લાવશે લવરાત્રી

- મિતુલ પનિકર Tuesday 29th May 2018 07:40 EDT
 
 

નવોદિત ફિલ્મમેકર અભિરાજ મીનાવાલા તેમની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ‘લવરાત્રી’ સાથે બોલિવૂડમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૧૮માં આ ફિલ્મ રિલીઝ થવાની છે અને નવોદિત કલાકારો આયુષ શર્મા તથા વરિના હુસૈન આ ફિલ્મમાં મેઈન લીડ કેરેક્ટરમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ સલમાન ખાન પ્રોડક્શન્સ દ્વારા કરાયુંું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાત કરતાં અભિરાજ મીનાવાલાએ જણાવ્યું કે, ‘લવરાત્રી’ ફિલ્મ એક સુંદર લવસ્ટોરી પર આધારિત છે. આ લવસ્ટોરી ગુજરાતી કલ્ચર અને ખાસ કરીને ગુજરાતીઓના વિશ્વમાં માનીતા તહેવાર નવરાત્રીમાં પાંગરે છે.
વર્ષ ૨૦૦૯માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે યશરાજ ફિલ્મ્સમાં જોડાયેલા અભિરાજની પહેલી ફિલ્મ ‘રોકેટ સિંઘ- સેલ્સમેન ઓફ ધ યર’ હતી. એ પછી તેઓ ‘જબ તક હૈ જાન’ અને ‘સુલતાન’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. અભિરાજને પૂછવામાં આવ્યું કે, ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવામાં આટલો લાંબો સમય શા માટે લીધો તો તેમણે જણાવ્યું કે, કોલેજ પછી નસીબજોગે યશરાજ ફિલ્મ્સમાં કામ કરવાનો મોકો મળ્યો. યશરાજમાં આસિસ્ટન્ટ તરીકે ત્રણ ફિલ્મ કરી. યશરાજમાં કામ કરતાં પહેલી હરોળની સ્ટારકાસ્ટ પાસેથી શીખવા મળ્યું કે, હું મારી જાતને ફિલ્મમેકિંગ માટે જેટલો વધુ સમય આપીને તૈયાર કરીશ એટલું સારું અને ઘડાયેલું પરિણામ મળશે. તેથી મને સમજાયું હતું કે, પહેલી ફિલ્મને સારી બનાવવા માટેના અને તેને ઉત્તમ રીતે રજૂ કરવાના પ્રયત્નો માટે મને જિંદગીમાં એક જ મોકો મળવાનો છે. એ એક મોકા પરથી જ હું બોલિવૂડમાં આગળ કેવી રીતે વધી શકું એ પણ નક્કી થશે. હું કહીશ કે એક મોકા માટે હજી સુધી હું મારી જાતને ઘડી રહ્યો હતો. જ્યારે મને એમ લાગ્યું કે હું એક ફિલ્મનું ડિરેક્શન સંપૂર્ણ રીતે સંભાળી શકું તેમ છું ત્યારે મેં ફિલ્મ દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો.
‘લવરાત્રી’ વિશે અભિરાજે જણાવ્યું કે, ‘લવરાત્રી’ની સ્ક્રિપ્ટનું લેખન નરેન ભટ્ટે કર્યું છે. હું નરેન ભટ્ટને મળ્યો અને સ્ક્રિપ્ટ વાંચી તો થયું કે વાર્તાતત્ત્વ રસપ્રદ છે. એવું મને એટલે પણ લાગ્યું કે હું ગુજરાતી છું. ‘સુલતાન’નું ફિલ્મમેકિંગ અંતિમ તબક્કામાં હતું ત્યારે સલમાનસરને મેં સ્ક્રિપ્ટની વાત કરી. તેઓએ મને ઘણી વખત અગાઉ પૂછ્યું હતું કે, તારા ભવિષ્યના આયોજન શું છે? અને મેં તેમને કહ્યું હતું કે, હું કેટલીક સ્ક્રિપ્ટ જોઈ રહ્યો છું અને વિચારી રહ્યો છું. તેમણે મને કહ્યું હતું કે, જ્યારે કંઈક ચોક્કસ નિર્ણય પર આવે ત્યારે જાણ કરજે અને જ્યારે આ સ્ટોરી આવી ત્યારે મેં તેમનો સંપર્ક કર્યો. આયુષ ત્યારે મને આસિસ્ટ કરતો એને સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મના હીરોના કેરેક્ટર માટે તે યોગ્ય છે તેથી તેને હીરો તરીકે સાઈન કરાયો.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતી કેરેક્ટર્સને અવાસ્તવિક અને ક્યારેક અતિશયોક્તિભર્યાં દર્શાવવા અંગે અભિરાજે કહ્યું કે, આ કલ્ચર મારી ખૂબ જ નજીક છે. તેથી તેને સારી રીતે સમજી શકું છું તેથી આ કલ્ચરનું બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ બનાવી રહ્યો છું. મોટાભાગે હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓને એક રીતે કેરીકેચર જેવાં જ દર્શાવાય છે. ફિલ્મોમાં તેઓની બોલી, ડ્રેસ અને તેમના પાત્રોની એક્ટિંગ કંઈક અલગ રીતે જ રજૂ કરાય છે. મને હંમેશાંથી એવું થતું કે મારે આમાં બદલાવ લાવવો છે. મેં સલમાનસરને પણ કહ્યું હતું કે, મારે આ ફિલ્મમાં ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી પાત્રોને વાસ્તવિક દેખાય તે રીતે દર્શાવવા છે. ગુજરાતીઓ આનંદી અને રમૂજી લોકો હોય છે. તેથી ફિલ્મમાં આપોઆપ જ રમૂજ જન્મતી દેખાશે તે ફિલ્મ માટે ઘણું મહત્ત્વનું પણ છે. હા, પણ ફિલ્મમાં કોમિક સીન્સ માટે પરાણે અને અવાસ્તવિક લાગે તેવા એક પણ કેરેક્ટર કે સિચ્યુએશન ઉમેર્યાં નથી.


comments powered by Disqus