એશિયન વોઇસ ચેરિટી એવોર્ડ્સ ઓફ ધ યરઃ ક્લેફ્ટ લીપ એન્ડ પેલેટ એસોસિએશન

રુપાંજના દત્તા Friday 25th May 2018 06:22 EDT
 
ડાબેથી સીબી પટેલ, જાગૃતી યાત્રા, એલેક્ઝાન્ડર મોર્ગન, અહશાન અલી રઇદ ખાન, ક્લેફ્ટ લીપ, કાન્તિભાઇ નાગડા, ટ્રેસીયા યંગ અને એલેક્ષીયા ફીલીપ તેમજ એવોર્ડ વિજેતા નેશનલ એનર્જી એકશનના અગ્રણીઓ
 

બ્રિટનના સૌથી જૂના એશિયન ડાયસ્પોરા પબ્લિકેશન ‘એશિયન વોઈસ’ અને યુરોપની પ્રથમ ઈન્ડિપેન્ડન્ટ ચેરિટી ‘ચેરિટી ક્લેરિટી’ દ્વારા લંડનમાં ત્રીજા વાર્ષિક એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન કરાયું હતું. તેમાં બ્રિટન, અફઘાનિસ્તાન, ભારત અને તિબેટના સ્પર્ધકો વિજેતા થયા હતા. શાહી લગ્નની પૂર્વ સંધ્યાએ હિલ્ટન પાર્ક લેનમાં યોજાયેલા આ ભવ્ય એવોર્ડ સમારોહમાં ૪૦થી વધુ દેશના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ચેરિટી ક્લેરિટીના સહયોગથી અપાતા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ સતત વિચારશીલ રહીને બ્રિટન અને વિશ્વમાં હાલના સમયના મહત્વના સામાજિક પ્રશ્રોના ઉકેલ માટે કાર્યરત રહેતી ચેરિટીઓને તેમના યોગદાન બદલ બીરદાવવા માટે અપાય છે. ખાસ કરીને બ્રિટનમાં અને એશિયન સર્કલમાં પ્રથમ ગણાતા એવોર્ડ સમારોહમાં ઈનોવેશન એટલે કે કશુંક નવું કરવા માટે અને કૌશલ્ય જાળવી રાખવા પ્રયત્નશીલ રહેતી ચેરિટીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

આ વર્ષે ફાટેલા હોઠ અને તાળવાથી પીડાતા લોકો માટે કાર્યરત યુકેની વોલન્ટરી સંસ્થા ક્લેફ્ટ લીપ એન્ડ પેલેટ એસોસિએશનને ‘ચેરિટી ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ સમારોહમાં જી પી હિંદુજા સહિત બ્રિટનના કેટલાક અતિ ધનવાન અને સમાજસેવી લોકો તેમજ અગ્રણી રાજકારણીઓ અને સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા.

NGOs અને સરકારી એજન્સીઓ સાથે મળીને દુનિયાના કેટલાક મુશ્કેલ વિસ્તારોના યુદ્ધગ્રસ્ત દેશોના લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની કામગીરી બદલ રોડ ટુ ફ્રિડમ ચેરિટીને ‘સ્ટાર્ટ અપ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.

ઉર્જા બચાવવા માટે દેશભરમાં વિશિષ્ટ અભિયાન બદલ ‘નેશનલ એનર્જી એક્શન’ને જજીસે ‘રનઅવે વિનર’ જાહેર કર્યું હતું. આ મોડેલ અન્ય દેશોએ પણ અપનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય બાળ અધિકારોને પ્રોત્સાહન આપવામાં ૪૦ વર્ષની કામગીરી માટે ‘ચાઈલ્ડ ટુ ચાઈલ્ડ’ને સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. મેલ રેપ સર્વાઈવર અને એક્ટિવિસ્ટ એલેક્ઝાન્ડર મોર્ગનને ‘મોસ્ટ ઈન્સ્પાયરીંગ યંગ પર્સન પ્રાઈઝ’ અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવ વ્હીટમોરને ‘મોસ્ટ ઈન્સ્પાયરીંગ ઈન્ડિવિજ્યુઅલ પ્રાઈઝ’ અર્પણ કરાયા હતા.

૪૦૦ પરિવર્તનકારી યુવાનો સાથે દર વર્ષે યોજાતા ભારતના ૮૦૦ કિ.મી.ના ૧૫ દિવસના પ્રવાસ માટે જાગૃતિ યાત્રાને ‘ચેરિટી ક્લેરિટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ ઈમ્પેક્ટ’ અપાયો હતો.

‘ધ એડિટર્સ એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ’ એવોર્ડ હેરો અને વેલ્ડસ્ટોનમાં આવેલા સંગત એડવાઈસ સેન્ટરને એનાયત કરાયો હતો. સંસ્થા સ્થાનિક સાઉથ એશિયન સમુદાયને વેલ્ફેર બેનિફિટ્સ, ડેટ, ઈમિગ્રેશન, ડિસ્ક્રિમિનેશનના તેમના હક્કોથી માહિતગાર કરે છે, સલાહ આપીને ઘરવિહોણા થતા અટકાવવામાં મદદ કરે છે. વડીલો, નબળા, લર્નિંગ ડિસેબિલિટીસ ધરાવતા તેમજ માનસિક આરોગ્યની તકલીફ તથા વિકલાંગ લોકોને કાયદા મુજબની સેવાઓ મેળવવામાં મદદરૂપ થાય છે.

આ વર્ષની જજીસની પેનલમાં ચેર ઓફ ધ સિટી બ્રીજ ટ્રસ્ટ એલ્ડરમેન એલિસન ગાઉમેન, લોર્ડ જિતેશ ગઢિયા, ચેરિટીઝ એઈડ ફાઉન્ડેશનના હેડ ઓફ ફિલાન્થ્રોપી ડેવિડ સ્ટેડ અને લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ ચેરમેન સુભાષ ઠકરારમો સમાવેશ થતો હતો.

‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી સી બી પટેલે જણાવ્યું હતું કે બ્રિટનમાં આવેલી ચેરિટીઝ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બન્ને ક્ષેત્રે ખૂબ સારું કામ કરે છે. આ ચેરિટીઓએ કરેલા અમૂલ્ય પ્રયાસોની નોંધ લેવાતી નથી અને અમે તેવી વ્યક્તિઓ અને સંસ્થાઓની પ્રશંસા થાય અને તેમાંથી અન્ય વ્યક્તિ તથા સંસ્થાઓને પ્રેરણા મળે તે માટે મંચ પૂરો પાડવામાં દ્રઢપણે માનીએ છીએ.

ચેરિટી ક્લેરિટીના પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે નોમિનેશન્સની દ્રષ્ટિએ જળવાઈ રહેલી શ્રેષ્ઠતા, કડક નિર્ણાયક પ્રક્રિયા અને સમારોહમાં ઉપસ્થિત આમંત્રિતોનું સામર્થ્ય અને ક્ષમતા દર્શાવે છે કે બ્રિટનના સખાવતીઓ અને ચેરિટીઝ માટે દર વર્ષે આ ઈવેન્ટનું ખૂબ મહત્ત્વ છે. જાગૃતિ યાત્રાને ચેરિટી ક્લેરિટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ ઈમ્પેક્ટ અપાયો તે ખૂબ આનંદની વાત છે.

એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ બ્રિટન અને વિશ્વમાં હાલના સમયના મહત્વના સામાજિક પ્રશ્રોના ઉકેલ માટે કાર્યરત રહેતી ચેરિટીઓે જ અપાય છે તેવું નથી. આ એવોર્ડ તો જેમને નવું કશુંક કરવું છે અથવા કૌશલ્ય હાંસલ કરવું છે અને જેમની સફળતા તેમના આખરી પરિણામ દ્વારા નક્કી થાય છે તેમના માટે પણ છે. સંસ્થા મોટી હોય કે નાની, પરંતુ તેમના સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કરેલી પ્રગતિ માટે આ એવોર્ડ છે.


comments powered by Disqus