પણજીઃ માત્ર ૬ મહિલાની બનેલી ભારતીય નૌકાદળની ‘નાવિકા સાગર પરિક્રમા’ ટીમ તાજેતરમાં આખી પૃથ્વીની પરિક્રમા કરીને સ્વદેશ પરત ફરી હતી. ૨૦૧૭ની ૧૦મી સપ્ટેમ્બરે ગોવાથી રવાના થયા પછી ૧૯મી મેએ ફરીથી ટીમ ગોવા આવી પહોંચી હતી. માંડોવીમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને ટીમનું વિધિવત સ્વાગત કર્યું હતું. એશિયામાંથી માત્ર કોઈ નૌકાદળની મહિલાની જ ટીમે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવી આ પહેલી ઘટના છે.
ઓલ-વૂમન એટલે કે માત્ર નૌકાદળની મહિલા અધિકારીઓની જ બનેલી આ ટીમે નાનકડી ‘આઈએનએસ તરિણી’ નામની હોડીમાં જ સવાર થઈને દુનિયાની સફર કરી હતી. ૬ મહિલાઓની ટીમનું નેતૃત્ત્વ ઉત્તરાખંડના લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીને સોંપવામાં આવ્યું હતું. તેમની સાથે ટીમમાં પ્રતિમા જામવાલ, પી. સ્વાતિ, વિજયાદેવી, બી. એશ્વર્યા અને પાયલ ગુપ્તા પણ સામેલ હતી. આ બધી જ યુવતીઓ ભારતીય નૌકાદળની ઓફિસર્સ છે.
૪૦ હજાર કિલોમીટર
નૌકાદળમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને તેને નાવિકા સાગર પરિક્રમા નામ અપાયું હતું. ૨૫૨ દિવસની સફર દરમિયાન મહિલા ટીમે ૪૦,૦૦૩ કિલોમીટર (૨૧,૬૦૦ નોટિકલ માઈલ)ની સફર ખેડી હતી. નિયમ પ્રમાણે આ સફર દરમિયાન તેમણે મર્યાદિત સ્થળોએ જ વિરામ લેવાનો હતો. દરિયાઈ પરિક્રમા હોવાથી તેમને કોઈ બંદર પર બિનજરૂરી રોકાણ કરવાનું ન હતું.
ગોવાથી રવાના થયા પછી ટીમે પહેલો વિરામ ઓસ્ટ્રેલિયાના ફ્રિમેન્ટલ બંદરે લીધો હતો. એ પછી ન્યુ ઝિલેન્ડનું લીટ્ટેટોન, ફાલકાલેન્ડનું પોર્ટ સ્ટેનલી, દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન અને છેલ્લે મોરેશિયસ તેમના માટે વિરામ સ્થળ બન્યા હતા. આમ તો એક મહિના પહેલા જ ટીમ પરત આવી જવાની હતી, પરંતુ હોડીના સ્ટિઅરિંગમાં ખામી સર્જાતાં મોરેશિયસ ખાસ્સો લાંબો સમય રોકાઈને રિપેરિંગ કરવું પડયું હતું. ભારતીય નૌકાદળ દ્વારા ટ્વિટર પર સતત આ ટીમ ક્યાં પહોંચી છે, તેની વિગતો નકશા સાથે મૂકવામાં આવતી હતી.
ચાર ખંડ અને ત્રણ મહાસાગર
દરિયાઈ પરિક્રમાની વૈશ્વિક વ્યાખ્યા પ્રમાણે જ્યાંથી સફર શરૂ કરી હોય ત્યાં જ પરત ફરીને આવવાનું હોય છે, જે નૌકાટીમે કરી દેખાડયું હતુ. સફર દરમિયાન તેમણે બે વખત ભુમધ્યરેખા પણ ક્રોસ કરી હતી. અઢીસો દિવસની સફર દરમિયાન ટીમે પાંચ દેશ, ચાર ખંડ અને ત્રણ મહાસાગરમાંથી પસાર થવાનું થયું હતું. આ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં સતત ૪૧ દિવસ એવા વિત્યા હતા જ્યારે દરિયાઈ તોફાનનો તેમણે સામનો કરવો પડયો હતો.
ભારત વતી કોઈ દરિયાઈ માર્ગે આખા જગતની સફર કરે એટલા માટે નૌકાદળે સાગર પરિક્રમા પ્રોજેક્ટ ઘડી કાઢ્યો હતો. એ પ્રોજેક્ટ હેઠળ ૨૦૦૮માં કમાન્ડર દિલિપ દોન્ડેએ એકલા દરિયાઈ માર્ગે આખા જગતની સફર કરી હતી. એ પછી નૌકાદળે આવા એક પછી એક પ્રોગ્રામ તૈયાર કર્યા હતા. મહિલાઓ ક્યાંય પાછી નથી પડતી એવો સંદેશો આપવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ હતો. મહિલા ટીમને કમાન્ડર દિલીપે જ ટ્રેઈન કરી હતી.
સફર માટે ખાસ હોડી
૫૫ ફીટ લાંબી આઈએનએસ તરિણી ખાસ આ સફર માટે જ બાંધવામાં આવી હતી. મહિલાઓને રહેવા માટેની સગવડ ઉપરાંત તેમાં દર કલાકે ૩૦ લિટર દરિયાઈ પાણી શુદ્ધ થઈ શકે એવો પ્લાન્ટ ફીટ કરાયો હતો. વોલ્વો કંપનીએ બનાવેલું એન્જિન ફીટ કરવામાં આવ્યુ હતું. તો વળી દરિયામાં કોઈ મુશ્કેલી પડે તો તુરંત સંપર્ક થઈ શકે એવું સેટેલાઈટ કમ્યુનિકેશન નેટવર્ક પણ પૂરું પાડવામાં આવ્યુ હતું. એ સિવાય આધુનિક દરિયાઈ જહાજોમાં હોય એવી ઘણી ટેકનોલોજી તરિણીમાં સામેલ કરાઈ હતી.
આકરી સફર
દરિયાઈ સફર અત્યંત આકરી મુસાફરી છે. ભવ્ય જહાજમાં બેસીને ફરવા જવું અને એકલા અથવા નાની ટીમ દ્વારા નાનકડી હોડી લઈને સફર કરવી તેમાં ઘણો ફરક છે. દરિયામાં અનેક પ્રકારના અકલ્પનિય જોખમો આવતા હોય છે અને સાગર પરિક્રમાની ટીમને પણ આવ્યા હતા. એ વખતે ટીમની ધીરજ, આવડત, સાહસ, દિશાશોધનની આવડત વગેરેની કસોટી થઈ હતી.

