લંડનઃ પૂર્વ લંડનની એક મસ્જિદ બ્રિટનની એવી પ્રથમ મસ્જિદ બની ગઇ છે જેણે બિટકોઇન કરન્સીને મુસ્લિમો માટે હલાલ જાહેર કરી છે. મસ્જિદ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે મુસ્લિમો બિટકોઇનના સ્વરૂપમાં પણ દાન આપી શકશે અને મસ્જિદ તેનો સ્વીકાર કરશે. બિટકોઇન એક ક્રિપ્ટો કરન્સી છે જે ડિજિટલ મની તરીકે પણ ઓળખાય છે.
પૂર્વ લંડનના ડેલ્સટનમાં આવેલ રમદાન મસ્જિદના ધાર્મિક સલાહકારોએ જણાવ્યું હતું કે બિટકોઇન હલાલ કરન્સી છે અને કાયદેસર રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે અલ્લાહની નજરમાં સ્વીકાર્ય છે. આ મસ્જિદે કરેલી જાહેરાત મુજબ મુસ્લિમો રમઝાન મહિનામાં બિટકોઇનના સ્વરૂપમાં ઝકાત આપી શકશે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમો ખાસ કરીને રમઝાન મહિનામાં પોતાની મિલકતના ૨.૫ ટકા રકમ દાનમાં આપે છે. જેને ઝકાત તરીકે ઓળખવામાં આવે છે.
શેકલેવેલ લેન મસ્જિદ તરીકે પણ ઓળખાતી આ મસ્જિદ બિટકોઇન ઉપરાંત ઇથેરમ જેવી ક્રિપ્ટો કરન્સીમાં પણ દાન સ્વીકારે છે. દાનમાં મળેલી આ રકમનો ઉપયોગ ગરીબ પરિવારોની મદદ માટે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બિટકોઇનનો ઉપયોગ કેટલાક દેશોમાં માન્ય છે અને કેટલાક દેશોમાં અમાન્ય છે. જો કે બ્રિટનમાં બિટકોઇનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

