સાઓ પાઉલોઃ બ્રાઝિલિયન ફૂટબોલ સ્ટાર રોનાલ્ડિનો એક જ સમયે બે સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે આવતા ઓગસ્ટમાં રોનાલ્ડિનો તેની ફિયાન્સે પ્રિસિલા કોએલ્હો અને બિટ્રીઝ સૌઝા સાથે એકસાથે પરણવાનો છે. ૩૮ વર્ષના ફૂટબોલરે ૨૦૧૬થી બિટ્રીઝ સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. જોવા જેવી વાત વાત એ છે કે તે વખતે પ્રિસિલા સાથે તેના સંબંધો ચાલુ હતા.
પ્રિસિલા સાથે તે છેલ્લાં સાત વર્ષથી લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. પ્રિસિલા અને બિટ્રીઝ રોનાલ્ડિનો સાથે ડિસેમ્બર ૨૦૧૬થી રિયો ડી જાનેરોના તેના ઘરમાં રહે છે.
બ્રાઝિલિયન અખબાર ‘ઓ ડિયા’માં છપાયેલા અહેવાલ પ્રમાણે, રિયોમાં એક પ્રાઈવેટ સમારોહમાં તે બંને છોકરીઓ સાથે પરણશે.
વર્લ્ડ ફૂટબોલ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ ધરાવનાર રોનાલ્ડિનોએ ગયા વર્ષે જાન્યુઆરીમાં બંનેને એકસાથે લગ્નની પ્રપોઝલ મૂકી હતી. બંનેને તેણે એંગેજમેન્ટ રિંગ પણ આપી છે.
રિપોર્ટ પ્રમાણે, રોનાલ્ડિનો પ્રિસિલા અને બિટ્રીઝને એલાઉન્સરૂપે ૧૫૦૦ ડોલર પોકેટ મનીના પણ આપે છે. તાજેતરમાં તેણે બંનેને એક સરખું પરફ્યુમ પણ ગિફ્ટમાં આપ્યું હતું.
બ્રાઝિલ જ નહીં, દુનિયાના શ્રેષ્ઠ પ્લેયર તરીકે નામના મેળવનાર રોનાલ્ડિનો બે વાર ‘ફિફા’નો બેસ્ટ પ્લેયર જાહેર થયો છે.
બ્રાઝિલ વતી તે ૯૭ મેચ રમ્યો છે અને તેણે ૩૩ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે. ૨૦૦૨નો વર્લ્ડ કપ જીતેલી બ્રાઝિલની ટીમમાં પણ તે સામેલ હતો.

