લંડનઃ બ્રિટનના ૭૦થી વધુ વયના અનેક વૃદ્ધોની જેમ ડેવિડ ચાર્લ્સ પણ એકલા જ રહે છે. તેઓ ચાર્લીના નામથી ઓળખાય છે. તેમને કોઈ મિત્ર નથી અને પરિવાર પણ નથી. તેમનો મોટા ભાગનો સમય લંડનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આવેલા એક પબ આઈવી હાઉસમાં પસાર થતો હતો. એકલા રહેતા અનેક બ્રિટિશર્સનો સમય પબમાં જ પસાર થાય છે.
એક દિવસ ચાર્લી આવ્યા નહીં, બીજા દિવસે પણ નહીં. ઘરે ગયા તો ખબર પડી કે ચાર્લી બીમાર છે. પછી અનેક દિવસ સુધી આવ્યા નથી. પછી એક દિવસ ખબર પડી કે તે દુનિયા છોડી ગયા છે. પબ દ્વારા ચાર્લીની સ્મૃતિમાં એક સભા રખાઈ. તેમનું કોઈ અંગત સગું નહોતું. પરંતુ જોતજોતામાં તેમને જાણતા હોય તેવા ૧૫૦થી વધુ લોકો એકત્ર થઈ ગયા. ચાર્લીની જેમ જ આ પબ પણ ધીમેધીમે ખતમ થઈ રહ્યું છે. શેક્સપિયરના સમયમાં ૨૦૦ લોકો દીઠ એક પબ હતું. તેમનાં અનેક નાટકોમાં તેનો ઉલ્લેખ પણ છે. બારમાં કામ કરનારા લોકો તેમના ગ્રાહકોને નામથી ઓળખતા હતા અને દરેક વ્યક્તિમાં રસ લેતા હતા. આજે પણ પબ લોકોની એકલતાનો આધાર છે, પરંતુ માત્ર વૃદ્ધોનો. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના રિસર્ચમાં જણાવાયું છે કે પબમાં આવીને કોઈની સાથે વાત કરતા સંતુષ્ટ થવાય છે.
બ્રિટિશ ટુરિસ્ટ બોર્ડના સંશોધન મુજબ પબ મુલાકાતીઓને ખૂબ જ પસંદ આવે છે. કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસી યુકે આવે તો તેનું ત્રીજું સૌથી મહત્વનું કામ પબમાં જવાનું હોય છે. આખી દુનિયામાં બ્રિટિશ પબ્સ અનેક શહેરોમાં મળી જશે. પબ વિનાના બ્રિટનની કલ્પના કરવી એટલે કાફે કલ્ચર વિનાના ફ્રાન્સની કલ્પના કરવા બરાબર છે. ન્યૂયોર્ક યલો ટેક્સી માટે અને ટોક્યો કરાટે બાર્સ માટે પ્રખ્યાત છે તેવી રીતે બ્રિટન પબ્સ માટે જાણીતું છે. પરંતુ હવે પબ કલ્ચર પડકારના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. બ્રિટનમાં બે મોટા પબ બંધ થઈ ગયાં છે. ન્યૂમેન આર્મ્સે બ્રિટનમાં પબ બંધ કરી દીધાં છે. છેલ્લા કેટલાક દાયકામાં પબની સંખ્યા ઝડપથી ઘટી છે. ૨૦૦૭માં બ્રિટનમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો. જાહેર સ્થળો પર ધૂમ્રપાન બંધ થઈ ગયું તે સાથે પબ ઘટવા લાગ્યાં. તેનાં ૮ વર્ષમાં જ બ્રિટનમાં ૭૦૦૦ પબ્સ બંધ થઈ ગયાં છે.
બ્રિટિશ બીયર એન્ડ પબ એસોસિયેશનના સીઈઓ બ્રિગિડ સાયમંડ કહે છે કે અનેક પબ બંધ થઈ ગયાં છે અને અનેક પબમાં ભોજન અને રહેવાની જગ્યા બનાવાઈ છે, જેથી લોકો હોટલની જેમ તેમાં રોકાઈ શકે. અનેક પબ વિક્ટોરિયન અને એડવર્ડિન જેવી ઐતિહાસિક ઈમારતોમાં છે, જેના કારણે તેઓ કશું નવું પ્લાનિંગ પણ નથી કરી શકતા. આ પ્રકારના પ્રતિબંધોના કારણે રોકાણકાર પણ નાણાં રોકવા માટે તૈયાર નથી. લંડનમાં ઝડપથી વધતા જમીનોના ભાવના પગલે કેટલાક ડેવલપર્સ પબમાં રસ ધરાવે છે, પરંતુ તેમણે પહેલાં તેને તોડી પાડવાની મંજૂરી લેવી પડશે. ૨૦ વર્ષ પહેલાં યુકેમાં ૭૦ હજાર એવાં સ્થળ હતાં જ્યાં દારૂ વેચવાનું લાઈસન્સ હતું. આજે ૭૦ હજાર રેસ્ટોરાં અને કોફી શોપ્સ એવાં છે, જ્યાં દારૂ વેચવાનું લાઈસન્સ અપાયું છે. આ કારણે પબ હવે ફાયદો કરાવી શકતાં નથી. સુપરમાર્કેટમાં પણ આલ્કોહોલ વેચાય છે, જે પબની સરખામણીમાં સસ્તો હોય છે, તેથી લોકો ઘરે જ તેનું સેવન કરી લે છે. તે સાથે જ યુવાનોમાં દારૂ પીવાનું વલણ ઘટ્યું છે. સરકારના એક અભ્યાસ મુજબ યુકેમાં નવી પેઢી એટલે કે ૧૬થી ૨૪ વર્ષની વયના ૨૬ ટકા લોકો દારૂને સ્પર્શ નથી કરતા. જ્યારે શરાબ સેવનમાં ૨૫થી ૪૧ વર્ષના ૧૭ ટકા લોકો અને ૨૫થી ૬૪ વર્ષના ૧૪ ટકા લોકોનો સમાવેશ થાય છે.

