નવી દિલ્હીઃ ગત વર્ષે ગોલમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમાં પીચ ફિક્સિંગ કરવામાં આવ્યું હોવાના ખુલાસા બાદ એ જ ન્યૂઝ ચેનલે રિલિઝ કરેલા એક નવા સ્ટિંગ ઓપરેશન વીડિયોમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ‘ક્રિકેટ્સ મેચ ફિક્સર્સ’ નામની અલ જઝીરા ચેનલની ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ૧૬-૨૦ ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચ તેમજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૬-૨૦ માર્ચ ૨૦૧૭ દરમિયાન રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચ ફિક્સ હતી. આ ફિક્સિંગમાં ઓસ્ટ્રેલિયાના બે અને ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડી સામેલ હતા. ઈંગ્લેન્ડે મેચ ફિક્સિંગના આ ટીવી રિપોર્ટને નકાર્યો છે. તો બીજી તરફ ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન સાથેની ડોક્યુમેન્ટરીમાં થયેલા દાવા અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ તપાસ શરૂ કરી દીધી છે.
ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં એ દર્શાવવામાં આવ્યું છે કે ભારતનો ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર, યુએઈ સ્થિત ભારતીય એડવર્ટાઈઝીંગ એક્ઝિક્યુટિવ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગના સાગરિતો તેમના સંપર્કોને સહારે કેવી રીતે મેચ ફિક્સિંગને અંજામ આપે છે. સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત-ઈંગ્લેન્ડની ચેન્નઈ ટેસ્ટ અને ભારત-ઓસ્ટ્રેલિયાની રાંચી ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગને અંજામ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ફિક્સિંગને અંજામ આપવામાં ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ રીતે રાંચીમાં રમાયેલી ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગને પાર પાડવામાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ સંડોવાયેલા હતા.
ચાર ભૂતપૂર્વ ક્રિકેટરો સ્ટિંગમાં જોવા મળ્યા
અલ જઝીરાના પત્રકાર ડેવિડ હેરિસને અંડરકવર રહીને આખું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશનના વીડિયોમાં ચાર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ જોવા મળે છે, જેઓ સ્પોટ ફિક્સિંગ, પીચ ફિક્સિંગ કે પછી ટેસ્ટ મેચનું પરિણામ કેટલા દિવસમાં આવશે તેવા પ્રકારના ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાનું જોઈ શકાય છે. આ ભૂતપૂર્વ ક્રિકેટરોમાં પાકિસ્તાનનો હસન રઝા તેમજ શ્રીલંકાના દિલહારા લોકુહેટ્ટીગે, જીવંથા કુલાતુંગા અને થારીન્દુ મેન્ડિસનો સમાવેશ થાય છે.
ફિક્સિંગ માટે ૧૦ દિવસની લીગ
સ્ટિંગ ઓપરેશનમાં જણાવાયું છે કે, ડી કંપનીની સાથે કથિત રીતે સંકળાયેલા અનિલ મુનાવરે સ્ટિંગમાં કહ્યું હતુ કે, હું તમને જે સ્ક્રિપ્ટ આપું તે પ્રમાણે થશે, થશે ને થશે જ. ફિક્સિંગ સાથે સંકળાયેલા અન્ય એક શખ્સ રાજકુમારે અંડરકવર રિપોર્ટરને જણાવ્યું હતું કે, જો તમે ફિક્સિંગ ઈચ્છતા હો તો દુબઈ ક્રિકેટ કાઉન્સિલના નેજામાં ૧૦ દિવસની આંતરરાષ્ટ્રીય ટી૨૦ લીગ ગોઠવી દઈએ. ટૂર્નામેન્ટમાં ચાર ટીમોને મેદાનમાં ઉતારશું. આંતરરાષ્ટ્રીય ખેલાડી મેચ રમવાના પાંચ લાખ ડોલર લેશે. જોકે ફિક્સિંગમાં સંડોવાયેલા ખેલાડીને તો તેની એપિયરન્સ ફી કરતા ૪૦ ટકા વધુ રકમ મળે છે. ડી કંપની મેચ ફિક્સ કરવા બે થી છ કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હોય છે.

