ન્યૂ યોર્કઃ મોટા ભાગના સમારંભો અને પાર્ટીઓમાં વેસ્ટર્ન સ્ટાઇલ બુફે ભોજનનો ટ્રેન્ડ જોવા મળે છે, પરંતુ બુફે તથા ડાઇનિંગ ટેબલ કરતા જમીન પર બેસીને જમવું એક આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. અમેરિકામાં સ્વાસ્થ્ય સંબંધિત એક મેગેઝિનમાં પ્રકાશિત માહિતી મુજબ જમીન પર બેસીને જમવાથી કરોડરજજુ પર શરીરનું વજન આવતું હોવાથી શરીર આરામ અનુભવે છે. ઉપરાંત માંસપેશીઓમાં ખેંચાણ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. શરીરના કોઇ ભાગમાં પેઇન થતું હોય તો પણ રાહત રહે છે. ઊભા રહીને જમવા કરતા નીચે બેસીને શાંતિથી જમવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. આથી શરીરમાં મેદ પણ જામતો નથી અને વજન વધતું નથી. એટલું જ નહી ખોરાક માટે ડીશ તરફ ઝુકવું પડતું હોવાથી પેટના સ્નાયુને પણ કસરત મળે છે.
આજકાલ સોફા અને ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાની આદતના કારણે પલાંઠી વાળીને બેસવાનું ભૂલાઇ ગયું છે. તેથી શરીરમાં થાક અને માંસપેશીઓમાં સતત દુખાવો વધે છે. ભારતમાં પહેલાના સમયમાં કોઇને ત્યાં જમવાનું આમંત્રણ મળે ત્યારે આસનપટ્ટા પર બેસાડીને જમણવાર થતો હતો. જેને પંગતપ્રથા કહેવાતી હતી, તે વધુ સારી હોવાનું સાબિત થયું છે.

