લંડનઃ મેવનેઝ વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલા ભારતીય મૂળના કાઉન્સિલર દિલીપ પટેલ ૨૦૧૮-૧૯ માટે મેયર ઓફ હેવરિંગ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ગયા વર્ષે તેઓ ડેપ્યુટી મેયરપદે હતા. તેઓ હેવરિંગ કાઉન્સિલમાં સૌ પ્રથમ ૨૦૧૪માં ચૂંટાયા હતા. રોમફર્ડ ટાઉનનું પ્રતિનિધિત્વ કરી રહેલા તેમના પત્ની કાઉન્સિલર નીશા પટેલ મેયરેસ તરીકે તેમની સાથે જોડાશે.
પટેલે જણાવ્યું હતું કે તેઓ ડેપ્યુટી મેયરપદે હતા ત્યારે તેમણે હેવરિંગ વિશે ઘણું જાણ્યું હતું અને હવે તેઓ ઘણાં સ્થાનિક લોકો અને વોલન્ટરી સંસ્થાઓને મળશે. તેમણે ઉમેર્યું હતું કે તેમણે પસંદ કરેલી ચેરિટીની જાહેરાત તેઓ ટૂંક સમયમાં કરશે. પરંતુ, તેઓ હેવરિંગમાં રજિસ્ટર્ડ થયેલી અને શ્રેષ્ઠ કાર્ય કરી રહેલી તમામ નાની ચેરિટીઝને પણ પ્રોત્સાહન પૂરું પાડવા આતુર છે.’
તેઓ મૂળ ભારતીય ઈસ્ટ આફ્રિકન છે અને ૧૯૭૦માં તેમના પેરન્ટ્સ સાથે યુગાન્ડાથી યુકે આવ્યા હતા. પિતાના અચાનક મૃત્યુ પછી તેમની પાસે લંડનમાં મિડલેન્ડ બેંકમાં જોબ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. ત્યારપછી ૧૯૭૭માં પરિવાર સાથે બિઝનેસ શરૂ કરવાની તક મળી હતી અને ૧૯૮૦ સુધીમાં તેમના ચાર રિટેઈલ આઉટલેટ હતા. ૧૯૮૦માં તેમના લગ્ન નીશાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રી છે અને બન્ને ડોક્ટર છે.

