લંડનઃ પાંચ પેઢીની મહિલાઓએ તેમની દાદીમા - પરદાદીમા શ્રીમતી કમુબેન પટેલની ૧૦૦મી વર્ષગાંઠ પાર્ટી અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ પાઠવેલા શુભેચ્છા સંદેશના પત્ર સાથે ઉજવી હતી. તા. ૨૦ મેને રવિવારે તેમણે જીવનના ૧૦૦ વર્ષ પૂરા કરવા નિમિત્તે ક્વીન્સબરીમાં ઓલ સેન્ટ્સ ચર્ચ ખાતે પાર્ટી આપી હતી.
હેરો વિલ્ડના કમુબેન તેમના પરિવારમાં મહિલાઓની પાંચ પેઢીમાં સૌથી વડીલ છે. તેમનો જન્મ કેન્યામાં થયો હતો પરંતુ, લગભગ આખું જીવન તેઓ હેરોમાં જીવ્યા હતા. તેમને બે પુત્ર અને પાંચ પુત્રી છે.
તેમના જન્મદિને હેરો, અમેરિકા, ભારત અને આફ્રિકામાં વસતા પરિવારજનો તેમની સાથે તેમની યુવાનીને ઉજવવાના બ્લેક એન્ડ વ્હાઈટ થીમના કાર્યક્રમમાં જોડાયા હતા. અતિથિઓએ વિવિધ ફૂડ, કેક અને મ્યુઝિકનો આનંદ માણ્યો હતો. તેમના માટે એક સ્પેશિયલ કેક બનાવવામાં આવી હતી. તેમણે ૧૦૦ વર્ષ પૂરા કર્યા તે નિમિત્તે તેમને ક્વીનના પત્રની અપેક્ષા હતી.
પરિવારના સભ્યોએ ટ્રેડિશનલ બોલિવુડ ડાન્સ કર્યો હતો અને પોતાના વક્તવ્યો આપ્યા હતા. પરિવારની સ્મૃતિઓનો સ્લાઈડ શો પણ દર્શાવાયો હતો
કમુબેનની ૩૮ વર્ષીય પ્રપૌત્રી સીમા પટેલ-રાજપરાએ જણાવ્યું હતું, ‘ હું તેમના જેટલું જીવવા માગુ છું. તેમણે અમારા માટે જે કાંઈ કર્યું છે તેના માટે અમે સૌ તેમની પ્રશંસા કરીએ છીએ અને અમને તેમના પ્રત્યે સ્નેહ છે.
હેરો કાઉન્સિલમાં ફરજ બજાવતી સીમાએ જણાવ્યું હતું, ‘મારા લગ્ન પહેલા જીવન વિશે તેમની સાથે કલાકો સુધી કરેલી લાંબી વાતચીત તેની દાદીમાની અતિપ્રિય સ્મૃતિ છે. મારા લગ્ન પ્રસંગે તેમણે જીવન અને વિવાહિત જીવન વિશે ઘણી ઉપયોગી સલાહ આપી હતી. તેમની આંખોમાં આંસુ હતા.’

