લંડનઃ તમે ભલે વ્હીલચેર પર હો કે કાખઘોડીના સહારે ચાલતા હો પણ ડાન્સ માટે તમારામાં ઝનૂન હશે તો આ કંપનીમાં તમે કન્ટેમ્પરરી ડાન્સ શીખી શકશો. એટલું જ નહીં, પરફોર્મ પણ કરી શકશો. ૨૭ વર્ષ અગાઉ સેલેસ્ટી ડેનડેકરે એક ખાસ હેતુથી કેન્ડોકો ડાન્સ કંપની શરૂ કરી હતી, તેનો હેતુ ડાન્સર્સની વિકલાંગતા છોડીને તેના કલાત્મક પાસા પર ધ્યાન આપવાનો હતો. સેલેસ્ટી પોતે પણ ડાન્સર છે. પરંતુ, ૧૯૭૩માં એક કાર્યક્રમ દરમિયાન તેનો પગ લપસ્યો અને ગંભીર ઇજાને કારણે તે વ્હીલચેર પર આવી ગઇ પણ ડાન્સ ન છૂટ્યો. ઇજાના ૧૮ વર્ષ બાદ ૧૯૯૧માં તેમણે ડાન્સ કંપની શરૂ કરી હતી.
સેલેસ્ટીએ જણાવ્યું હતું કે જ્યારે તમે કોઇ વિકલાંગ ડાન્સરને સ્ટેજ પર પરફોર્મ કરતા જુઓ ત્યારે અનુભવી શકો કે આપણું શરીર કેવું કમાલનું છે. કોઇ શારીરિક અક્ષમતા ડાન્સની આડે આવતી નથી. જ્યારે હું અપંગ બની ત્યારે લાગ્યું કે જીવનમાં ક્યારેય ડાન્સ નહીં કરી શકું. વ્હીલચેર પર કામ કરનારા બહુ ઓછા લોકો હતા પણ મેં પ્રયત્નો જારી રાખ્યા અને ડાન્સ કરતી રહી.
મારે કેન્ડોકોને બહેતરીન ડાન્સર્સની કંપની તરીકે તૈયાર કરવી હતી, માત્ર ડિસએબલ ડાન્સર્સ માટે નહીં. આટલા વર્ષોમાં કેન્ડોકો તેના કન્ટેમ્પરરી ડાન્સ પરફોર્મન્સીસ માટે વધુ મશહૂર છે, માત્ર એટલા માટે નહીં કે તેના કેટલાક ડાન્સર્સ શારીરિક રીતે અક્ષમ છે. કન્ટેમ્પરરી ડાન્સ ક્લાસિકલ, મોડર્ન અને જૅઝની સ્ટાઇલથી જ બન્યો છે અને જ્યારે અમારા ડાન્સરો વળ ખાઇને સ્ટેજ પર પરફોર્મન્સ આપે છે ત્યારે લોકો આપોઆપ તાળીઓ વગાડવા માંડે છે.
સેલેસ્ટીને ૨૦૦૭માં તેની પ્રશંસનીય કામગીરી માટે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના હસ્તે ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર સન્માન મળ્યું હતું. કેન્ડોકો કંપનીના ડાન્સર્સ અમેરિકી કોરિયોગ્રાફર સ્ટીફન પેટ્રોનિયો, વેનેઝુએલાના ઝેવિયર ડી ફ્રુટોસ અને રેચિડ ઓરમેંડેન સાથે કામ કરી ચૂક્યા છે. જોકે, કંપનીના કેટલાક ડાન્સર્સ માને છે કે કંપનીને આટલા વર્ષો વીતવા છતાં ડિસએબલ લોકોને ખરેખર જરૂર છે તેવું સન્માન નથી મળતું. ફ્રેન્ચ ડાન્સર લોરા પેટેનું કહેવું છે કે આ દિશામાં થોડી પ્રગતિ જરૂર થઇ છે પણ હજુ ઘણું કરવાનું બાકી છે.

