રેડ વાઇન પીવાથી વ્યક્તિને આરામની લાગણી અનુભવે છે અને તેની જાતીય ઇચ્છામાં વધારો થાય છે જ્યારે વોડકા અને વ્હિસ્કી પીવાથી વ્યક્તિમાં ઊર્જાનો સંચાર થાય છે અને આક્રમકતા વધે છે તેવું એક અભ્યાસનું તારણ છે. ૩૦,૦૦૦ લોકો કે જેઓ આલ્કોહોલિક પીણાં પીતાં હતાં તેમની લાગણીઓ અને મૂડ પર કેવી કેવી અસર થાય છે તેનો અભ્યાસ આ સર્વેમાં કરવામાં આવ્યો હતો. બાન્ગોર યુનિવર્સિટી અને કિંગ્સ કોલેજ- લંડનના નિષ્ણાતો દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં રેડ વાઇન પીનારાઓ આરામદાયક જીવનશૈલી ધરાવતા અને વધુ જાતીય આવેગ ધરાવતા હતા હતા. બિયરથી આરામ અને આત્મવિશ્વાસ વધતો હોવાનું પણ તારણમાં જણાવાયું હતું.
આલ્કોહોલનો સંબંધ વ્યક્તિની ઉગ્રતા સાથે
ગ્લોબલ ડ્રગ સર્વે દ્વારા આ આંકડા ભેગા કરાયા હતા, જેમાં ૨૧ દેશનાં ૧૮થી ૩૪ વર્ષની વયનાં લોકોને ૧૧ ભાષામાં પ્રશ્નો પૂછાયા હતા. અભ્યાસનો હેતુ આલ્કોહોલનો દુરુપયોગ ટાળવાનો અને જુદા જુદા વર્ગનાં લોકોમાં પીણાં કેવી અસર કરે છે તે જાણવાનો હતો. પ્રો. માર્ક બેલિસે જણાવ્યું હતું કે વર્ષોથી રમ, જિન, વોડકા અને અન્ય માદક પીણાંનો સંબંધ હિંસા સાથે છે. આજે પણ આલ્કોહોલનો સંબંધ વ્યક્તિની ઉગ્રતા કે આક્રમકતા સાથે રહેલો જણાયો છે.
સ્પિરિટ શરીરને ખૂબ ઝડપથી અસર કરે છે
યુકેમાં લાઇસન્સ વિના એક લિટર સ્પિરિટ ૧૫ પાઉન્ડ કે તેથી ઓછી કિંમતમાં મળે છે, જ્યારે ડબલ શોટ ફક્ત ૭૫ પેન્સમાં જ મળે છે. આટલી ઓછી કિંમતે વધુ સારો આલ્કોહોલ મળવાથી વ્યસનીઓ શરીરને હાનિ થાય તેટલી હદે આલ્કોહોલનું સેવન કરે છે. આ ઉપરાંત તેઓ નશામાં ચૂર થઇને આસપાસનાં લોકો સાથે મારામારી કરીને કે તોફાન-મસ્તી કરીને લોકોને હાનિ પહોંચાડે છે. ઇથેનોલ એ આલ્કોહોલનું રાસાયણિક સ્વરૂપ છે અને તેની ગણના માદક દ્રવ્યોમાં થાય છે, જેનાં સેવનથી વ્યક્તિને નશો ચડે છે. વ્યક્તિની લાગણીઓ અને વિવિધ મૂડ માટે તે જવાબદાર છે. સ્પિરિટ એ ખૂબ ઝડપથી શરીરને અસર કરતું પીણું છે અને તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે. લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધતાં તેની વ્યક્તિનાં શરીર અને મન પર ઝડપથી અસર થાય છે.

