વિનોદ ભટ્ટ શું પસંદ કરશે?

- વિષ્ણુ પંડ્યા Wednesday 30th May 2018 06:32 EDT
 
 

વિનોદ ભટ્ટે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જ દિવસે અમેરિકાએ ફિલિપ રોથને અંજલિ આપી. ‘બ્લેકલી કોમિક નોવેલિસ્ટ’ તરીકે જાણીતા આ લેખકમાં એકસાથે અમેરિકન, યહૂદી અને ઉમદા મનુષ્યનું સંયોજન અમેરિકી સાહિત્ય વિવેચકોએ વખાણ્યું છે. અમેરિકન ભાષા અને સાહિત્યનો તે ઊંડો અભ્યાસી હતો. એકમાત્ર નોબેલ પારિતોષિકથી વંચિત (કે ઉપેક્ષિત, કેમ કે તેણે જાતીયતા વિશે ઘણું બધું આલેખન કર્યું હતું!) આ લેખકે ઘણાં સુપ્રતિષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યાં, જેમાં ફોકનેર, બુકર વગેરે પણ સામેલ છે. ‘ઇફ આઈ એમ નોટ અમેરિકન, આઇ એમ નથિંગ’ આવું વટભેર કહેનારો આ એકમાત્ર લેખક રહ્યો. તેણે આત્મકથાથી ઇતિહાસ સુધીમાં જે સ્વૈરવિહાર કર્યો તેને મઝેથી સ્વીકાર્યો અને અફસોસ નથી કર્યો. બુધવારની રાતે ૮૫ વર્ષની વયે તેણે આંખ મીંચી દીધી.
અને આપણો વિનોદ ભટ્ટ! એકમાત્ર તારક મહેતાએ તેની શક્તિને બરાબર પારખી હતી અને સરસ હાસ્ય-નવલકથા લખે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. એવું થયું હોત તો ‘ભદ્રંભદ્ર’, ‘અમે બધાં’, ‘ખંડિત ક્લેવરો’ અને ‘એકલવ્ય’ની પંક્તિમાં એક વધુ ગુજરાતી હાસ્ય-નવલનું ઉમેરણ થયું હોત.
આ દિવસોમાં વિનોદ ભટ્ટ વિશે પાનાં ભરીને લખાયું છે. હૃદયપૂર્વકની અંજલિ અપાઈ, નવી-જૂની તસવીરો છપાઈ. કાંકરિયા વિસ્તારમાં ધર્મયુગ કોલોનીના તેમના નિવાસસ્થાને ૨૩ મેની સાંજે શુભેચ્છકોનો મોટો સમુદાય અને પરિવારજનોએ તેમને વિદાય આપી. હવે તો તે વાચાહીન મનુષ્ય માત્ર હતા, નહિંતર ફૂલહારથી અંજલિ આપનારાઓ વિશે મર્માળુ હાસ્ય સાથે કંઈક કહ્યું હોત અને પોતાની જાત પર હસવા-હસાવવાનું ભૂલ્યા ન હોત! બસ, આ જ તેની વિશેષતા હતી.
‘તેમના જવાથી એક યુગ પૂરો થઈ ગયો’ એવો અતિરેક તેને પોતાને જ ગમતો નહીં હોય. પણ આપણે દરેક વિદાય લેતા સ્વજનને માટે એટલાં બધાં વિશેષણોનો ઢગલો કરી દેતા હોઈએ છીએ કે વાતો પુષ્પાંજલિ કરતાંયે વધી જાય અને તેની સાચુકલી ગરિમાની વાત બાજુ પર રહી જાય.
બે-ત્રણ પ્રસંગોનું સ્મરણ છે. તેમાં વ્યક્તિગત ઉલ્લેખ તો માત્ર નિમિત્ત છે, માત્ર વિનોદમૂર્તિનો અણસાર આપવાનો પ્રયાસ છે. શરૂઆતમાં તેણે લખવાનું ચાલુ કર્યું હતું કોઈક સામયિકમાં. (ચીનુ મોદીએ તેનું વર્ણન કર્યું હતું) પછી અખબારોમાં સ્તંભલેખન. ૧૯૬૭-૬૮ની આસપાસ તેમનો લેખ લખીને ‘સંદેશ’માં આપવા નીકળતા. મણિનગર કે તેમની ઓફિસેથી પહેલાં ‘મનસૂરી બિલ્ડિંગ’ અને ત્યાંથી ઘી કાંટા. મનસૂરી બિલ્ડિંગમાં હું સાપ્તાહિક સંભળાતો. નીચે હેવમોરની દુકાન. વિનોદ ભટ્ટ આવે, હેવમોરમાં જઈએ. એ સમયે છોલે ભટુરેની નાનકડી સામગ્રી તેમણે પ્રસ્તુત કરી હતી, તેની સાથે જ વિનોદ ભટ્ટના લેખનું પ્રથમ વાંચન! આવો ક્રમ દરેક ગુરુવારે બપોરે રહે. ભટ્ટજી તેને આ નાસ્તાપાણીને ‘સુવાવડીનો શીરો’ ગણાવતા!
નિખાલસ માણસ. કોઈ દંભ નહીં. ક્રિયા-પ્રતિક્રિયામાં તેને કોઈ તકલીફ નહીં પડતી. શેખાદમ જેમ ‘લાગ્યું તે લખ્યું’ કહેતો, તેવું જ વિનોદ ભટ્ટનું. મેં તેમને મારી દસ્તાવેજી-નવલકથા ‘ઉત્તિષ્ઠતઃ ગુજરાત!’ આપી હતી. સૌજન્યપૂર્વક સ્વીકારી તો ખરી પણ વાંચે શાના? એક વાર રાજકોટ હતો તો ફોન આવ્યોઃ ‘લો, નલિની સાથે વાત કરો!’ મને નવાઈ લાગી એટલે તેમણે ઉમેર્યુંઃ ‘મારે ન વાંચવું હોય તેનો બોજ ઝીલવા તો મારી પત્ની છે જ! આ તમારી નવલકથા તેણે વાંચી છે.’ નલિનીબહેને તો આ કૃતિથી ક. મા. મુનશીની યાદ આવી તેવું કહ્યું! પાછો ફોન પોતે લઈને કહે, ‘જોયું ને, આવું મેં કહ્યું હોત ખરું?’
વિનોદ ભટ્ટનું હાસ્યલેખન ‘સામાન્ય’ ગણાવનારા વિવેચકોનો વર્ગ હતો તેની તેમને બરાબર જાણ હતી. એટલે તેની એક અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા. મને પણ ભલામણ કરી હતી કે તમે હાસ્યલેખો લખો, જામશો. મેં આ વાતને તેની કોલમનો એક ભાગ ગણીને હસી કાઢી હતી.
વિનોદ ભટ્ટે હાસ્ય-નવલ લખવી જોઈતી હતી એવું માનનારાઓમાં મારો પણ સમાવેશ થાય છે. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ ત્યારે તેમણે આટલું જ કહ્યું, ‘હવે નવલકથા લખવાનો તમને સમય મળશે?’ મેં કહ્યું, ‘મુશ્કેલ છે, પણ તમારે હાસ્ય-નવલ લખવી જોઈએ.’ થોડી વાર ચૂપ રહીને મને કહેઃ ‘હા પહેલાં પણ તમે આવું કહ્યું હતું, મને બરાબર યાદ છે.’ પછી વાત બદલાવીઃ ‘આપણે સમદુઃખિયા થયા. મેં નલિનીને ગુમાવી અને તમે આરતીને.’ (મારાં પત્નીના સ્વર્ગવાસ સમયે તે આવી શકે તેમ નહોતા તેનો પણ સંકેત હતો.)
વિનોદ ભટ્ટને માટે અવસાન સમયે મેં કહ્યું છેઃ મિત્ર, વિનોદ આવજો! ક્યાંક તો આપણે મળી જઈશું.
આના બે સંકેત છેઃ એક તો હિંદુ વિચાર પ્રમાણે પુનર્જન્મનો અને બીજો સંચિત કર્મથી મુક્ત મોક્ષનો.
ખબર નહીં, પોતાનું દેહદાન કરનાર વિનોદ ભટ્ટ આમાંથી શું પસંદ કરશે? બીમારીના બિછાને આ માણસ હસતો ફિલસૂફ હતો. તેની ઓછી જાણીતી એક કિતાબ ‘હાસ્યોપચાર’માં કબજિયાત, અલ્સર, તાવ, અનિદ્રા, ઝુકામ, બહેરાશ, હૃદયરોગ, ડાયાબિટીસ સહિતના રોગો પર લખ્યું છે. આમાંથી ભાગ્યે જ તેનો સંગીસાથી નહીં રહ્યો હોય!


comments powered by Disqus