લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના શાહી લગ્ન શનિવારે સંપન્ન થયા. આ લગ્ન સમારંભમાં બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત ઘણી ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી હતી. લગ્નમાં આવેલા તમામ મહેમાનોને શાહી પરિવાર તરફથી ગિફ્ટ અપાઇ હતી. લગ્નમાં હાજર સામાન્ય લોકોને પણ ગિફ્ટ મળી હતી. હવે તેમાંથી કેટલાક લોકોએ તેમને મળેલી ગિફ્ટ ઓનલાઇન વેચવાનું પણ શરૂ કરી દીધું છે. આ ગિફ્ટ્સ ઇ-રિટેલર ઇબે પર વેચાઇ રહી છે. ૨૨મીમે સુધીમાં ઇબે પર કુલ ૩૪ ઓક્શન લિસ્ટ કરાયા હતા. ગિફ્ટ્સની કિંમત ૧૧૨ પાઉન્ડ (અંદાજે ૧૦,૨૪૧ રૂ.)થી માંડીને ૧૦,૧૦૦ પાઉન્ડ (અંદાજે ૯.૨૩ લાખ રૂ.) સુધી છે. સૌથી મોંઘી ૧૦,૧૦૦ પાઉન્ડની ગિફ્ટ માટે ૨૨મી મે સુધીમાં ૫૩ લોકો બોલી લગાવી ચૂક્યા છે. શાહી લગ્ન દરમિયાન વિન્ડસર કેસલમાં આવેલા ૨,૬૪૦ લોકોને ગિફ્ટ્સ અપાઇ હતી. તેમાંથી ૨૦૦ લોકો હેરી-મેગન મદદ કરે છે તે ચેરિટી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત ૧૦૦ સ્કૂલ સ્ટુડન્ટ્સ અને વિન્ડસરના રહીશ ૬૧૦ લોકોનો પણ સમાવેશ થતો હતો.
ગિફ્ટ બેગમાં શું છે?
શાહી લગ્નમાં હાજર રહેલા દરેક મહેમાનને ભેટ-સોગાદોથી ભરેલી એક ગિફ્ટ બેગ અપાઇ હતી. તેમાં સર્વિસ બુકલેટ, ગોલ્ડન ચોકલેટ કોઇન, પોસ્ટકાર્ડ, વિન્ડસર કેસલ ગિફ્ટ શોપના ગિફ્ટ વાઉચર સહિતની વસ્તુઓ સામેલ હતી. આ ગિફ્ટ્સ ઓનલાઇન વેચી રહેલા લોકો માત્ર પૈસા કમાવવા ઇચ્છે છે તેવું નથી. તેમાં કેટલીક ચેરિટીઝ પણ સામેલ છે.

