લંડનઃ ડાયાલિસિસ પર સૌથી લાંબો સમય રહેવાનો વિશ્વવિક્રમ ધરાવતા સ્ટેનમોરના ૬૧ વર્ષીય મહેશ મહેતાએ વર્ષો સુધી તેમને મદદ કરનારા લોકો સાથે આ સિદ્ધિની ઉજવણી કરી હતી. સૌથી વધુ સમય ૪૩ વર્ષ અને હાલ પણ કિડની ડાયાલિસિસ પર રહેલા મહેતાને ગયા વર્ષે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો હતો. ગત ૧૧મેને શુક્રવારે તેમના જીવનના આ વિશિષ્ટ અનુભવ વિશે નોર્થવિક પાર્ક હોસ્પિટલના સ્ટાફ દ્વારા કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડો. નીલ ડંકન, હેડ નર્સ ક્લેર એડવર્ડ્સ અને સિનિયર નર્સ ડેબી હેન્સના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મહેશ મહેતાની ‘મેડિકલ યાત્રા’માં સહભાગી રહેલા લોકોનું સન્માન કરાયું હતું.
મહેશભાઈને તેમનો મેડિકલ રેકોર્ડ ક્રિસમસ ૨૦૧૭ પહેલા જ મળ્યો હતો. તેઓ અને તેમના પરિવારે તમામ વર્ષોના રેકોર્ડના પૂરાવા એકત્ર કરીને વર્લ્ડ રેકોર્ડ સંસ્થાને મોકલી આપ્યા હતા.
તેમનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વર્ષો સુધી ફોટો બોર્ડ્સ અને મેમરીઝમાં મૂકવામાં આવ્યો હતો. મહેશભાઈએ હળવી શેલીમાં જીવનના ઉતાર ચઢાવની તેમની વાત કરી હતી. તેમની ૮૨ વર્ષીય માતા ભાનુમતીબેન મહેતા સહિત તેમને મદદ કરનાર સૌનો તેમણે આભાર માન્યો હતો. ભાનુમતીબેન આખો સમય તેમની સંભાળ રાખે છે.
કાર્યક્રમમાં મહેશભાઈએ અંગ દાનના મહત્ત્વ વિશે જાગૃતિ કેળવવાનો સૌને અનુરોધ કર્યો હતો, જેથી ભવિષ્યના કિડનીના દર્દીઓને મેચીંગ કિડની મળવાની તક વધી જાય. ૧૮ વર્ષની વયે મહેશભાઈની બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. ૧૯૭૯ અને ૧૯૯૦માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને સેન્ટ મેરી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા પહેલા અને પછી ઘરે ડાયાલિસિસ પર રહ્યા હતા.
આ પ્રસંગે મ્યુઝિક થેરાપિસ્ટ ડેવિડ થોર્પે તેમના માટે ખાસ લખેલું ગીત ગાયું હતું.

