હવે કબજિયાતથી સન ક્રીમ અને શરદી સહિતની સારવારના પ્રીસ્ક્રિપ્શન પર પ્રતિબંધ

Wednesday 30th May 2018 07:18 EDT
 
 

લંડનઃ બ્રિટિશ નાગરિકોને આરોગ્ય સેવા પૂરી પાડતી NHS દ્વારા લેક્સેટિવ્ઝથી આઈ ડ્રોપ્સ, કફ મિક્સચરથી માંડી સન ક્રીમ સહિત સંખ્યાબંધ પ્રીસ્ક્રિપ્શન લખવામાં આવે છે. માર્ચ મહિનામાં હળવી સારવારની પેરાસિટામોલ સહિત ઓવર-ધ-કાઉન્ટર દવાઓનાં પ્રીસ્ક્રિપ્શન પ્રતિબંધિત કરવાની જાહેરાત કરાઈ હતી, જેનો અમલ ૩૧ મેથી કરવામાં આવનાર છે. વર્ષે ૧૦૦ મિલિયન પાઉન્ડની નાણાકીય ખેંચ અનુભવતી NHS હવે દર્દીઓને કબજિયાત, શરદીના કારણે ગળામાં પીડા, પીઠના સામાન્ય દુઃખાવા અને સામાન્ય દાઝી જવા સહિતની સારવાર માટે દવાઓ પ્રીસ્ક્રાઈબ નહિ કરીને વર્ષે ૧૦૦ મિલિયન પાઉન્ડની બચત કરશે, જેનો ઉપયોગ મહત્ત્વની સેવાઓ માટે કરાશે.

NHS દ્વારા દર્દીઓને જે સામાન્ય દર્દો માટેની દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે તે સંસ્થા દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેની પાછળ કરવામાં આવતો ખર્ચ ભારે પડે છે. સુપરમાર્કેટ્સમાં આ દવાઓ સસ્તામાં વેચાય છે. NHS England ના કહેવા અનુસાર ૧૨ એન્ટિ-સિકનેસ ટેબ્લેટના પ્રીસ્ક્રાઈબ કરાતા એક પેકની કિંમત તેને ૩૫ પાઉન્ડથી વધુમાં પડે છે, જ્યારે ફાર્મસીઓમાં તે માત્ર ૨.૧૮ પાઉન્ડની કિંમતે વેચાય છે. દુકાનોમાં પેનીના ભાવે વેચાતી એસ્પિરીન અને પેરાસિટામોલ દવાઓ પાછળ NHS દ્વારા ૮૦ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. આરોગ્ય સેવા દ્વારા દર વર્ષે ૨૦ મિલિયન પેરાસીટામોલનાં પ્રીસ્ક્રિપ્શન્સ લખાય છે અને તે દરેક માટે ૩.૦૭ પાઉન્ડનો ખર્ચ થાય છે, જ્યારે ૧૬ ટેબ્લેટનું એક પેકિંગ દુકાનોમાં ૨૦p ના ભાવે મળી શકે છે. આ જ રીતે, કબજિયાતની સારવાર પાછળ દર વર્ષે ૨૨.૮ મિલિયન પાઉન્ડ, ડાયરિયાની સારવાર માટે ૨.૮ મિલિયન પાઉન્ડ, એથેલેટ્સ ફૂટની સારવાર માટે ૩ મિલિયન પાઉન્ડ, માથાના ખોડાવિરોધી શેમ્પુ પાછળ ૪.૫ મિલિયન પાઉન્ડ, અપચા અને છાતીમાં બળતરા માટે ૭.૫ મિલિયન પાઉન્ડ અને મોંઢામાં ચાંદા પાછળ ૫.૫ મિલિયન પાઉન્ડ ખર્ચાતા હોવાનો દાવો NHS England કરે છે. જો માત્ર પેરાસીટામોલ જ ન અપાય તો અશરે ૫૭ મિલિયન પાઉન્ડ બચાવી શકાય છે, જેનો ઉપયોગ થાપાના ૮૧૦ ઓપરેશન, ૨૯૧૨ મોતિયાના ઓપરેશન્સ તેમજ ૯૦૦ કોમ્યુનિટી નર્સીસ માટે ભંડોળ તરીકે કરી શકાય છે.

નકામા પ્રીસ્ક્રિપ્શન્સની સમીક્ષાના ભાગરુપે ગત નવેમ્બરમાં હોમીઓપેથી, હર્બલ ઉપચારો અને સપ્લીમેન્ટ્સના પ્રીસ્ક્રિપ્શન્સ દૂર કરવાના નિર્ણય પછી આ નવું પગલું લેવાયું છે. ફાર્માસિસ્ટ્સના વિરોધ છતાં, જાહેર પરામર્શમાં આ દરખાસ્તોને બહોળો સપોર્ટ મળ્યો હતો. ઓવર-ધ-કાઉન્ટર ઉપચારો પ્રતિબંધિત કરવાનું પગલું ૬૦ ટકાથી વધુ મતદારોએ યોગ્ય ગણાવ્યું હતું.

આ ફેરફારોના કારણે લાંબા ગાળાની અથવા જટિલ પરિસ્થિતિઓ અથવા ગંભીર બીમારી હોવાનાં લક્ષણો દર્શાવતી નાની બીમારીઓ માટેના પ્રીસ્ક્રિપ્શન્સને કોઈ અસર થશે નહિ. ઓવર-ધ-કાઉન્ટર આઈટમ્સ અસરકારક હોવાનું પુરવાર થાય તો સંવેદનશીલ પેશન્ટ્સને તેના પ્રીસ્ક્રિપ્શન્સ લખી શકાશે.

આ સારવાર માટે પ્રીસ્ક્રિપ્શન્સ નહિ મળે

• શરદીના કારણે ગળામાં પીડા • હોઠ પર કદી ચાંદા પડવાં કે હોઠ સૂકાવાં • કન્જેક્ટિવાઈટિસ (આંખો આવવી) • શરદી, ખાંસી અને નાકમાં ભરાવો • ક્રેડલ કેપ (seborrhoeic dermatitis – infants) • હરસ-મસા • નવજાત બાળકોમાં પેટનો દુઃખાવો • મૂત્રાશયમાં હળવો સોજો • હળવા ત્વચારોગ • ખોડો • પુખ્ત લોકોને ડાયરિયા • સૂકી/થાકેલી આંખો • કાનમાં મેલ-ચીકણાશ • વધુપડતો પરસેવો (Hyperhidrosis) • માથામાં જૂ • અપચો અને છાતી-પેટમાં બળતરા • સામાન્ય કબજિયાત • હળવું માઈગ્રેન • જીવજંતુ કરડવાં • સામાન્ય ખીલ • હળવી સૂકી ત્વચા • સનબર્ન • સૂર્યકિરણોથી રક્ષા • મધ્યમ હે ફીવર/ નાકમાં સીઝનલ દુઃખાવો • હળવું દાઝવુ અને ફોલ્લાં • માથા, પીઠ, માસિકના દુખાવા, મચકોડ વિગેરે સાથે સંકળાયેલી પીડા, તાવ અને કષ્ટ • મોંઢામાં ચાંદાં પડવાં • નેપી રેશ • મોંઢા-દાંતમાં હળવો સડો • દાંતમાં સડાનો અટકાવ • રિંગવર્મ/ એથેલેટ્સ ફૂટ • દાંત આવવા/દાંતનો હળવો દુઃખાવો • થ્રેડવોર્મ્સ • પ્રવાસથી બીમારી • ગાંઠ-ગૂમડા અને ચામડી પરની ગાંઠ (verruca)


comments powered by Disqus