લંડનઃ બ્રિટનના લોર્ડ્સ સામાન્ય પ્રજાની લાગણીઓથી વાકેફ નથી તેમ એક પોલના ૭૬ ટકા મતદારોએ જણાવ્યું છે. તાજેતરમાં બ્રેક્ઝિટ બિલને પરાજિત કરનારા હાઉસ ઓફ લોર્ડ્સથી બ્રિટિશરો નાખુશ છે. ૫૮ ટકા મતદારોએ જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને ફગાવી દેવામાં ઉમરાવો ખોટું કરી રહ્યા છે, જ્યારે ૨૪ ટકા મતદારોએ તેને યોગ્ય ગણાવ્યું હતું. હાઉસ ઓફ લોર્ડ્સ પ્રત્યે અવિશ્વાસ દર્શાવી તેને નાબૂદ કરવા સહિતના નક્કર સુધારાઓની તરફેણ કરવામાં આવી છે અને માત્ર ૧૭ ટકા મતદારોએ યથાવત સ્થિતિ જાળવવા મત દર્શાવ્યો છે. લીવ છાવણીના ૩૪ ટકા મતદારોએ હાઉસને નાબૂદ કરવાની તરફેણ કરી હતી.
ComRes અને કેમ્પેન ગ્રૂપ We, The People દ્વારા યોજાએલા ડેઈલી મેલ અખબારના ૨૦૦૦થી મતદારોના પોલના તારણો અનુસાર ૧૦માંથી સાત મતદારોએ વર્તમાન ૭૮૦ લોર્ડ્સની સરખામણીએ ઓછાં ઉમરાવોની તરફેણ કરી હતી. હાઉસ ઓફ કોમન્સના સભ્યોની સંખ્યા ૬૫૦ છે, જેના કરતાં ઉમરાવો વધુ છે. ઉપલા ગૃહમાં રાજકીય પક્ષોના સમર્થકો અને નિષ્ફળ રાજકારણીઓ વધુ હોવાનું ૧૦માંથી આઠ મતદારોએ કહ્યું હતું, જ્યારે માત્ર ૨૧ ટકાએ ઉમરાવો અનુભવી હોવાનું કહ્યું હતું. યુવાનોની સરખામણીએ વૃદ્ધ મતદારો હાઉસ ઓફ લોર્ડ્સ પ્રત્યે વધુ રોષ ધરાવતા હતા. ઉમરાવોને અપાતાં ૩૦૫ પાઉન્ડનાં દૈનિક ભથ્થાં પ્રત્યે પણ ૮૮ ટકા મતદારોએ ભારે નારાજગી દર્શાવી હતી.
૩૭ ટકા મતદારોએ તમામ ઉમરાવો ચૂંટાયેલા હોવા જોઈએની તેમજ ૨૪ ટકા મતદારોએ હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરી તેને રીપ્લેસ નહિ કરવાની તરફેણ કરી હતી. જ્યારે ૨૨ ટકાએ ઉમરાવોની નિયુક્તિ ચોક્કસ સમય માટે જ કરવા જણાવ્યું હતું અને માત્ર ૧૭ ટકાએ યથાવત સ્થિતિ જાળવી રાખવાની તરફેણ કરી હતી. વર્તમાન આધુનિક કાળમાં હાઉસ ઓફ લોર્ડ્સ અપ્રસ્તુત હોવાનું જણાવનારા ૭૯ ટકા હતા, જ્યારે ૨૧ ટકાએ હાલમાં પણ ગૃહને યોગ્ય ગણાવ્યું હતું.
We, The Peopleના પેટ્રિક બેરોએ જણાવ્યું હતું કે,‘આ મતદાનના પરિણામો સ્પષ્ટ છે. બ્રિટિશ પ્રજાએ પાર્લામેન્ટની સંપ્રભૂતા પાછી માગી લીધી છે ત્યારે હાઉસ ઓફ લોર્ડ્સ બ્રિટિશ પ્રભુત્વ યુરોપને પાછું સોંપી દેવાય તે માટે નિર્ધાર કરે છે.’
તાજેતરમાં ઉમરાવોએ સરકારના મુખ્ય ઈયુ વિથ્ડ્રોઅલ બિલને અલગ અલગ ૧૫ પરાજ્ય આપ્યા છે, જેમાં યુકેને સિંગલ માર્કેટમાં રાખવા માટેના ફેરફાર તેમજ યુકે ઈયુમાંથી બહાર જાય નહિ તે માટેના સુધારાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઉમરાવોએ શાસક પક્ષની મેનિફેસ્ટો કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરવી જોઈએ તેવી દીર્ઘકાલીન પરંપરાને પણ જાળવી નથી.

