લંડનઃ પોતાને લાગેલા ૭.૬ મિલિયન પાઉન્ડના જેકપોટમાંથી ૫ મિલિયન પાઉન્ડની રકમ ડોનેશનમાં આપી દેનારી બાર્બરા રેગનું ૭૭ વર્ષની વયે નિધન થયું હતું. તેમના પતિ ૮૦ વર્ષીય રે રેગે જણાવ્યું હતું કે બાર્બરા NHSમાટે કામ કરતી હતી અને જંગી ડોનેશન પણ આપ્યું હતું. તેની આવી દશા થવી જોઈતી ન હતી. બ્રેસ્ટ કેન્સર અને ગોલ સ્ટોનની પાંચ વર્ષની બીમારી બાદ તાજેતરમાં બાર્બરાનું અવસાન થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે લોટરી જીતી તે પહેલા પણ તે ખૂબ ઉદાર અને માયાળુ હતી.
આ દંપતી ૧૯૮૦ના દાયકામાં ૧૦,૦૦૦ પાઉન્ડમાં ખરીદેલા મકાનમાં શાંતિપૂર્વક શિષ્ટ જીવન વ્યતીત કરતું હતું. પરંતુ, ૨૦૦૦માં તેમને મળેલી અઢળક રકમ બાદ પણ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર થયો ન હતો.

