ફિલ્મ ‘પાકિઝા’ની ૬૭ વર્ષીય અભિનેત્રી ગીતા કપૂરનું ૨૬મી મેએ સવારે ૯ વાગે મુંબઈના એક વૃદ્ધાશ્રમમાં અવસાન થયું હતું. કમાલ અમરોહીની ફિલ્મ ‘પાકિઝા’માં ગીતાએ રાજકુમારની બીજી પત્નીની ભૂમિકા કરી હતી અને ૧૦૦થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય આપ્યો હતો. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ગીતા કપૂરના અવસાનની જાણ કરતો વીડિયો ટ્વિટર ટ્વિટ કર્યો હતો.
જાણવામાં આવ્યું છે કે, બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત ગીતાને એપ્રિલ ૨૦૧૭માં તેમના પુત્ર રાજાએ ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં અને એટીએમથી પૈસા કઢાવવાના બહાને તે ત્યાંથી જતો રહ્યો હતો. એ પછી તે માતાને જોવા પાછો આવ્યો નહોતો. રાજા કોરિયોગ્રાફર છે અને ગીતાની પુત્રી પૂજા એરહોસ્ટેસ છે. અશોક પંડિતે ટ્વિટ કર્યું હતું કે, ગીતા કપૂરના મૃતદેહ પાસે ઉભો છું જેમને તેમના બાળકોએ છોડી દીધાં હતાં. તેમને સ્વસ્થ રાખવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ પુત્ર અને પુત્રીની રાહ જોતાં તે બીમાર થતાં ગયાં અને વૃદ્ધાશ્રમમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં છે. એક વર્ષથી તેઓ વૃદ્ધાશ્રમમાં હતાં. તેમને હંમેશાં એ આશા હતી કે એક દિવસ તેમનો પુત્ર આવશે અને તેમને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ જશે.

