બૈજિંગઃ ચીનના કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ કંપનીનાં વાઈસ ચેરપર્સન અને જાણીતાં પ્રોપર્ટી ડેવલપર યાંગ હઈયાનને ૨૦૧૮નું વર્ષ પ્રારંભે જ ફળ્યું છે. વર્ષના પહેલાં જ સપ્તાહમાં તેની કમાણીમાં રૂ. ૩૯ હજાર કરોડનો તોતિંગ વધારો થયો છે. અને આ સાથે જ તેઓ ચીનની સૌથી ધનવાન મહિલા બની ગયાં છે.
ચીનનાં ૩૬ વર્ષીય બિઝનેસ સાહસિક યાંગ હઈયાને એક જ સપ્તાહમાં મળેલાં આટલા મોટા આર્થિક ઉછાળાના પગલે કમાણીની બાબતમાં બિલ ગેટ્સ અને મુકેશ અંબાણી જેવા ધનાઢયોને પણ પાછળ રાખી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના કહેવા પ્રમાણે અત્યારે એકમાત્ર એમેઝોનના જેફ બેઝોસ જ યાંગથી આગળ છે. મહિલાઓની યાદીમાં બ્લૂમબર્ગે તેને પ્રથમ સ્થાન આપ્યું છે.
તેની નેટવર્થ ૨.૬૫ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકાયો છે. ૩૬ વર્ષનાં યાંગ ચીનનાં સૌથી યુવા ધનવાન બિઝનેસ પર્સન છે. યાંગને તેના પિતા યાંગ ગ્યુક્વિંગે ૨૦૦૫માં વારસો આપ્યો હતો. એ પછી તેમણે પોતાની વ્યાવસાયિક સૂઝબૂઝથી વારસામાં મળેલા રિઅલ એસ્ટેટ બિઝનેસને આગળ વધારીને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે.
બ્લૂમબર્ગના નવા વર્ષના આર્થિક ઈન્ડેક્સમાં ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણી ૨૦મા ક્રમે છે. આ વર્ષે મુકેશ અંબાણીની આવકમાં ૨૪૬૨ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. તે સાથે જ તેમની નેટવર્થ ૨.૬૦ લાખ કરોડ રૂપિયા થઈ હોવાનું કહેવાય છે. તો બિલ ગેટ્સની આવકમાં ૯૫૫૫ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. તેમની નેટવર્થ ૬.૩૧ લાખ કરોડ રૂપિયા થઈ હોવાનો અંદાજ છે. આ બધામાં સૌથી મોખરે રહેલા એમેઝોનના જેફ બેઝોસની નેટવર્થ ૬.૭૪ લાખ કરોડ રૂપિયા છે.

