કુદરત દ્વારા શરીરના કોઇ પણ અવયવની કાર્યપદ્ધતિ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં કાનનો પણ સમાવેશ થાય છે. કાનનો બહારનો ભાગ મોજાં એકત્રિત કરે છે. અવાજનાં મોજાં કાન ઉપર અથડાય છે. સ્પંદન કાનના મધ્ય ભાગમાં પહોંચે છે, ત્યાં પડદો હોય છે. પડદા પાછળ રહેલી ત્રણ હાડકીઓ હલે છે. હાડકી હલવાને લીધે સ્પંદનો અંદરના કાનમાં રહેલા અવાજના જ્ઞાનતંતુ સુધી પહોંચે છે તેથી આપણે સાંભળી શકીએ છીએ.
કાન શરીરનું સંવેદનશીલ અવયવ છે. જો તેની સંભાળ રાખવામાં આવે તો કાનને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે છે. આજે આપણે કાનના મુખ્ય રોગોની વાત કરીશું.
કાનમાં રસી આવવી
અચાનક કાન પાકવાનું મુખ્ય કારણ શરદી હોય છે. ગળા તથા કાન વચ્ચે કર્ણપ્રતિનલિકા હોય છે. નાક અથવા ગળામાં કાંઇ સોજો કે પાક હોય તો તેમાંથી પ્રસરીને કાનમાં જાય છે. બાળકોમાં કાકડા તથા નાકની પાછળના મસા પાકે છે તેનો ચેપ કાનમાં જાય છે. જો વારંવાર કાકડા સૂજી જતા હોય, પાકતા હોય તો તેનું ઓપરેશન કરાવવું જરૂરી બને છે. સાઇનસનો ચેપ પણ પ્રકારે કાનમાં જાય છે. એકાએક કાન પાકે ત્યારે કાનમાં તીવ્ર દુખાવો થાય છે અને બહેરાશ પણ લાગે છે. કાનમાં તમરાં જેવો અવાજ આવે છે. નાનાં બાળકોને કાંઇ બોલતાં ન આવડે તેથી સતત રડ્યાં કરે છે અને કાન તરફ હાથ લઇ જાય છે. આમાં કાનનો પડદો બહાર ખેંચાયેલો દેખાય છે. કાનની રસીમાં તાવ આવવાની સંભાવના રહેલી છે. જે એન્ટિ-બાયોટિક દવા યોગ્ય પ્રમાણમાં લેવાથી મટી જાય છે. ઘણી વખત પડદા ઉપર ચેકો મૂકવો પડે છે.
કાનનો સડો
આપણા શરીરમાં સૂકી અને ભીની એમ બે જાતની ચામડી હોય છે. શરીરમાં બહારના ભાગમાં જે ચામડી હોય છે સૂકી હોય છે અને અંદરની ચામડી હંમેશાં ભીની રહેતી હોય છે. જ્યારે અંદરની ચામડી સૂકી થાય ત્યારે સડો થાય છે. સડાને લીધે હાડકું ખવાતું જાય છે જેને લીધે બહેરાશ આવે છે. આ બહેરાશ કાયમી હોય છે. સડાને લીધે ઘણી વખત કાનમાંથી પરુ આવી શકે છે. જો પરુ યોગ્ય સમયે બહાર કાઢવામાં ન આવે તો મગજમાં પરુ એટલે કે મેનિન્જાઇટિસ થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત પરુ લોહીની નળીઓ દ્વારા આપણા શરીરમાં પણ ફેલાઇ શકે છે. ઘણી વખત કાનના સડાને દૂર કરવા ઓપરેશન કરવાની જરૂર પડે છે.
કાનનો ચેપ
કાનમાં સાંભળવાની નસ ઉપર બેક્ટેરિયા કે વાઇરસને લીધે અથવા તો ફંગસ થવાને લીધે ચેપ લાગે છે. ચેપને કારણે સાંભળવામાં તકલીફ પડે છે. આવી સ્થિતિમાં જો પહેલાં ત્રણ અઠવાડિયામાં સારવાર કરવામાં આવે તો એમાં સુધારો થવાની શક્યતા રહેલી છે. પણ સારવાર કરવામાં જો વિલંબ થઇ જાય તો દર્દીમાં સુધારો થવાની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે.
પડદામાં મોટું કાણું
કાનના પડદામાં મોટું કાણું હોય તો આ કાણું દવા કે ઇન્જેક્શનથી બંધ થવાની શક્યતા નથી. આ કાણાને બંધ કરવા માટે નવો પડદો મૂકવાનું ઓપરેશન જરૂરી છે. જો ઓપરેશન દ્વારા કાણું બંધ ન કરવામાં આવે અને દવાઓ અને ઇન્જેક્શનથી રસી સૂકવી દેવામાં આવે તો થોડા સમય માટે રસી તો બંધ થઇ જાય છે પણ પડદાનું કાણું ખુલ્લું રહ્યું હોવાથી જ્યારે કાનમાં ગંદું પાણી જશે અથવા તો શરદી થશે ત્યારે કાનમાંથી ફરી રસી આવવાની શરૂ થશે. જો કાનમાંથી વારંવારં રસી આવશે તો કાનના પડદા પાછળની હાડકી ચોંટતી જશે અને સડતી જશે. પરિણામે વ્યક્તિમાં બહેરાશનું પ્રમાણ વધતું જશે.
પડદા પર નાનું કાણું
ક્યારેક બાળકોને જન્મજાત મધ્યમ કર્ણમાં પડદાનું કાણું જોવા મળે છે. અમુક વખત કાનના કોઇ રોગને લીધે પડદા પર કાણું પડી જતું હોય છે. સામાન્ય રીતે બાળકોમાં કુદરતી રીતે રૂઝ આવવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. જ્યારે ઉંમરલાયક વ્યક્તિને દવાની મદદથી કાણું પૂરવામાં આવે છે.
કાનની હાડકી ચોંટી જવી
કાનમાં સડો, રસી કે અન્ય કારણોને લીધે કાનના પડદા પાછળ રહેલી ત્રીજી હાડકી ચોંટી જાય છે. હાડકી ચોંટી જવાના કારણે બહેરાશ આવી જાય છે. રોગની સારવાર પણ ઓપરેશન દ્વારા કરવી પડે છે. હાડકીનો ચોંટી ગયેલો ભાગ કાઢીને એને બદલે પ્લાસ્ટિકની હાડકી બેસાડવામાં આવે છે.
આધુનિક પદ્ધતિ દ્વારા કાનના રોગોની સારવારમાં દવાઓથી માંડી વિવિધ પ્રકારની સર્જરી વિકસી છે, જે દ્વારા સારવાર સરળ બની છે. જોકે મોટા ભાગના કિસ્સામાં દર્દીની બેદરકારીને લીધે કાનના રોગોનું વહેલાસર નિદાન થતું નથી પરિણામે દર્દીને બહેરાશનો ભોગ બનવું પડે છે. અમુક ખરાબ ટેવો જેવી કે મોબાઇલ ફોન અને ઇયરફોનનો સતત ઉપયોગ બહેરાશ નોંતરી શકે છે.

