આફ્રિકાના યુગાન્ડામાં જન્મેલાં અને બ્રિટનમાં જ ભણતર-ઘડતર થવા છતાં ગુજરાતના ગરીબ-અનાથોનો આર્તનાદ સાંભળનાર ભારતીબેન બીપીનભાઇ કંટારીયા ૨૦૦૨ના અરસામાં ગુજરાતના નડિયાદ નજીક મલાતજ-ચાંગા વચ્ચે નેચરોપથી ઉપચાર માટે ગયાં ત્યારે આજુબાજુના વિસ્તારોમાં ફરતાં ફરતાં તેઓ પેટલી ગામની એક સ્કૂલ તરફ જઇ પહોંચ્યા. ત્યાં તેમણે એક લક્ષ્મી નામની વિકલાંગ કન્યાને પગના અંગૂઠાથી પેન્સીલ વડે લખતાં જોઇ ભારતીબહેનનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે આ છોકરીને દત્તક લઇ તેનો બધો ખર્ચ ઉઠાવવા તૈયારી દર્શાવી એટલું જ નહિ પણ લક્ષ્મી માટે વ્હીલચેર પણ લાવી આપી હતી. ભારતીબહેને પછાત વિસ્તારની સ્કૂલોના સત્તાવાળાઓનો સંપર્ક કરી ફાટેલાં, મેલાં કપડાં અને બૂટ-ચંપલ વગર સ્કૂલે જતાં ૧૦૦૦ છોકરા-છોકરીઓના યુનિફોર્મ, નોટબૂકો, પેન્સિલો, દફતર ઇત્યાદિની ભેટ આપી અને સરકારની મદદથી સ્કૂલોમાં કમ્પયુટર પણ લાવી આપ્યાં છે. જનકલ્યાણ સેવા કાજે ભારતીબહેને “દિવ્યસેવા ફાઉન્ડેશન"ની સ્થાપના કરી છે. આણંદની આર્ટસ કોલેજના સહયોગ સાથે તેમણે વિધવા બહેનો માટે સીવવાના સંચા લાવી આપ્યા છે. કિશોરાવસ્થામાં પીરીયડમાં બેસતી ગરીબ દીકરીઓના મા-બાપ પાંચ દિવસ સુધી સ્કૂલે જવા નહિ દેતા તેઓ માટે તેમણે સેનેટરી ટોવેલ પ્રોજેકટ હાથમાં લઇ હેલ્થ અને હાઇજીન વિષે કન્યાઓને માહિતગાર કરી છે. દ.ગુજરાતના ડાંગ વિસ્તારની પ્રેગનેન્ટ આદિવાસીઓ મહિલાઓ માટે "મધર એન્ડ બેબી કીટ" પ્રોવાઇડ કરે છે. ડો. મુકુલ અને ડો. મેધા દિવ્યા ફાઉન્ડેશનનો આ પ્રોજેકટ સંભાળે છે.

