ચર્ચિલ અને આંબેડકરની આશંકાઓ ખોટી પડી

ભારતીય રાજનેતાઓ લોકશાહી રાષ્ટ્રને લાયક છે પણ વ્યક્તિપૂજા લોકતંત્ર માટે ઘાતકઃ વિન્સ્ટન ચર્ચિલ તો ભારત પાકિસ્તાન અને પ્રિન્સિસ્તાનના પક્ષે હતા

ડો. હરિ દેસાઈ Wednesday 17th January 2018 07:07 EST
 
 

યુકેના વડા પ્રધાનપદે એકથી વધુ વખત રહી ચૂકેલા વિન્સ્ટન ચર્ચિલના મતે ભારતીયો આઝાદીના લાયક નહોતા. દેશનું સૂત્રસંચાલન કરાવવાની લાયકાત ધરાવતા નહોતા. ભારતીય રાજનેતાઓ માટે એમણે ખૂબ ભૂંડા શબ્દો વાપર્યા હતા. આમ છતાં આઝાદીના જંગમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની સાથે ખભેખભો મિલાવીને અંગ્રેજોના શાસનના કાંગરા ખેરવી મૂકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલે ‘અંગ્રેજો તમે અહીંથી ટળો, અમે અમારું ફોડી લઈશું’ એવી ગર્જના સાથે વિદેશીઓને ભગાડીને સ્વરાજને અપેક્ષિત માન્યું હતું.
ચર્ચિલનું ચાલ્યું હોત તો એમણે મુસ્લિમો માટેના અલગ પાકિસ્તાનની સાથે જ દેશી રજવાડાંના પ્રિન્સિસ્તાન બનાવવાની કલ્પનાને સાકાર કરીને બ્રિટિશ ઈન્ડિયાને પાકિસ્તાન, ભારત અને પ્રિન્સિસ્તાન એમ ત્રણ ભાગમાં વિભાજિત કરીને ચારણી જેવી અવસ્થા કરી મૂકી હોત. ભલું થજો સરદાર પટેલ અને વી. પી. મેનનની જોડીનું કે એમણે ટીમ તરીકે મળીને દેશી રજવાડાંને સામ, દામ, દંડ અને ભેદની કુનેહથી ભારત સાથે જોડીને મહંમદ અલી ઝીણાના પાકિસ્તાનની તુલનામાં ભવ્ય ભારતને આકાર આપ્યો.
ગુલામીના પુનરાગમનની આશંકા
ભારતીય બંધારણ ઘડવા માટેની બંધારણ સભામાં બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. બી. આર. આંબેડકરે અંતિમ મુસદ્દો રજૂ કરતાં સભામાં ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ કરેલું ભાષણ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે.
એમણે કહ્યું હતુંઃ ‘રાજ્ય બંધારણમાં વણેલાં તત્વો ચાલુ પેઢીના મતો છે. અને મારું એ વિધાન કદાચ અતિશયોક્તિભર્યું લાગશે તો તે આ સભાગૃહનો મત છે, એમ સમજવું. રાજ્ય બંધારણ કેટલુંય સારું હોય અથવા ખરાબ હોય, અંતમાં તો તેને સારું કે ખરાબ છે એ નક્કી કરવું તે રાજ્યકર્તાઓ તેનો કેવો ઉપયોગ કરે છે તેના પર અવલંબે છે.’ બ્રિટિશ પ્રજા અને શાસકો વણલિખિત બંધારણ છતાં ઉજ્જવળ પરંપરાઓને અનુસરીને લોકશાહીને સુપેરે ટકાવવામાં સફળ રહ્યાની નોંધ અહીં લેવી જ પડે.
પ્રાચીન ભારતમાં લોકશાહીમૂલક જનપદો કે મહાજનપદો (રિપબ્લિક) હતાં અને સમયાંતરે આંતરકલહ તેમજ ઘરના ભેદીઓનાં કાળાં કરતૂતોને કારણે જ ભારત નામના ભાવનાત્મક પ્રદેશમાં વારંવાર વિદેશીઓ શાસક બનતા રહ્યાની લાંબી ગુલામીની પરંપરાનું પણ બંધારણ મુસદ્દા સમિતિના વડાએ સુપેરે વર્ણન કર્યું હતું. સાથે જ એમણે ઉમેર્યુંઃ ‘ઈતિહાસની પુનરાવૃત્તિ શું ફરી થશે? હિંદુ લોકોના જાતિભેદ અને પંથભેદ આ જૂના શત્રુઓમાં એકબીજાની સામે લડતા નવા પક્ષોનો ઉમેરો થયો છે. આની જાણ હોવાથી મારી ચિંતા બેવડી થઈ છે. જો તેઓ (ભારતીય જનતા) પોતાના પક્ષનો મત રાષ્ટ્રના હિત કરતાં શ્રેષ્ઠ સમજશે તો ભારતીય સ્વાતંત્ર્ય માટે બીજી વાર ભય પેદા થશે અને કદાચ તે કાયમ માટે નષ્ટ થશે. માટે આપણા શરીરમાં લોહીનું છેલ્લું ટીપું જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે આપણા સ્વાતંત્ર્ય માટે લડવાનો નિરધાર કરવો જોઈએ. લોકોએ પ્રથમ કંઈ કરવાનું હોય તો તે એ છે કે આપણા સામાજિક અને આર્થિક હેતુ સાધ્ય કરવા માટે બંધારણીય સાધનોનો માર્ગ સ્વીકારવો જોઈએ. અસહકાર, કાયદાભંગ અને સત્યાગ્રહનો માર્ગ તેમણે છોડી દેવો જોઈએ, કારણ ગેરબંધારણીય માર્ગ એટલે અંધાધૂંધી.’
‘સ્વાતંત્ર્ય માટે બીજો ભય વિભૂતિપૂજામાંથી નિર્માણ થાય છે’ એવું જ્હોન સ્ટુઅર્ટ મિલનું કથન ટાંકતાં ડો. આંબેડકરે ચેતવણી આપી હતી કે ‘કોઈ વ્યક્તિ કેટલી પણ મહાન હોય તો પણ તેના શરણે તેમણે પોતાનું સ્વાતંત્ર્ય અર્પણ કરવું જોઈએ નહીં અથવા પોતાની સંસ્થાનો નાશ કરવા જેટલો સમર્થ બને એવી મોટી સત્તા તેને આધીન કરવી જોઈએ નહીં. મહાન લોકોએ આયુષ્યભર રાષ્ટ્રની સેવા કરી તેમના વિશે કૃતજ્ઞતા રાખવામાં કંઈ ખોટું નથી પરંતુ તેની મર્યાદા હોય છે. ધર્મમાં ભક્તિ એ આત્માને મુક્તિ આપવાનો માર્ગ હોઈ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વિભૂતિપૂજા એ અધોગતિ અને અંતમાં હુકમશાહી સ્થાપવા માટેનો નિશ્ચિત માર્ગ છે તે સમજવું.’

રાજકીય સમતા સાથે સામાજિક-આર્થિક વિષમતા

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું. રિપબ્લિક ઈન્ડિયામાં તમામ નાગરિકોને રાજકીય સમતા તો મળી, પણ સામાજિક અને આર્થિક વિષમતા નષ્ટ ના થાય તો રાજકીય લોકશાહીનો મિનાર તોડી પડાશે એવી ભવિષ્યવાણી પણ ડો. આંબેડકરે કરી હતી. એમણે સામાજિક સમતા અને આર્થિક સમતાની પણ વાત કરીને ભવિષ્યના રિપબ્લિક માથે આવી પડનારાં જોખમો સામે લાલ બત્તી જરૂર ધરી હતી. ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદીની સાથે જ નાત-જાતના ભેદ દૂર કરવા અને તમામ નાગરિકોને સમાન તક તથા આર્થિક ધોરણે સમતા પ્રાપ્ત કરવા ભણી આગળ વધવાની મોકળાશ કરી આપવાનું બંધારણના તમામ ઘડવૈયાઓએ યોગ્ય લેખ્યું હતું.
છેલ્લાં સાત દાયકાના તમામ શાસકોએ સાચા મનથી નક્કરપણે સમતાના આદર્શને આત્મસાત્ કરવાની દિશામાં યોગ્ય પગલાં નથી ભર્યાં એ હકીકત છે, પરંતુ બંધારણના આત્માની સાચવણી થકી જ પ્રજાસત્તાક ભારતમાં હજુ લોકશાહી ટકી છે. એને માથે સમયાંતરે જોખમો આવ્યાં પરંતુ જોખમનાં એ વાદળ કે વંટોળ વચ્ચે પણ ભારત લોકશાહી અને પ્રજાસત્તાક માર્ગે આગળ વધતું રહ્યું છે.
વિન્સ્ટન ચર્ચિલની ભવિષ્યવાણીને ભારતીય શાસકોએ ખોટી તો પાડી છે, પણ હજુ શ્રેષ્ઠ પ્રજાતંત્રના આદર્શને એક સાકાર કરવાનો છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2DgH50z)


comments powered by Disqus