લંડનઃ નવા સંશોધનમાં રસપ્રદ હકીકત જાણવા મળી છે કે કાળા મરી મેદસ્વિતાનો સામનો કરવામાં મદદ કરે છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતા ખોરાકની આડઅસરો દૂર કરવામાં પીપનોલ નામનું મિશ્રણ ઉપયોગી સાબિત થયું હતું. આ અભ્યાસ અનુસાર છ સપ્તાહ સુધી તેનું સેવન કરવાથી શરીરનું વજન ઘટે છે.
ઇમ્પિરિયલ કોલેજ લંડન ખાતે હાથ ધરાયેલા અભ્યાસમાં ધ્યાને આવ્યું છે કે મેદસ્વિતા માટે જિનનું બંધારણ પણ મહત્ત્વનું હોય છે. ભારતીય સંશોધકો માને છે પિપનોલ મેદસ્વિતા માટે જવાબદાર જિનની કેટલીક અસરોને નાબૂદ કરે છે. લંડન અને ભારત એમ બંને ટીમ આશા સેવી રહી છે કે તેમના દ્વારા થયેલાં સંશોધનો ભવિષ્યમાં મેદસ્વિતા માટેની નવી ઉપચારશૈલી વિકસાવશે. ૧૯૭૫થી વિશ્વમાં મેદસ્વિતાનાં પ્રમાણમાં ત્રણ ગણો વધારો થયો છે.
સંશોધન કેવી રીતે થયું?
ભારતની શ્રી વેંક્ટેશ્વર યુનિવર્સિટીના નિષ્ણાતોએ મેદસ્વી ઉંદરો પર અભ્યાસ શરૂ કર્યો હતો. તે ઉંદરો ૨૨ સપ્તાહથી ચરબીયુક્ત ખોરાક ખાઈ રહ્યા હતા. સંશોધકોએ કાળા મરીમાંથી પીપનોલ અર્ક તૈયાર કરીને તે ઉંદરોને ખોરાકમાં આપવાનું શરૂ કર્યું હતું.
અભ્યાસને અંતે ધ્યાને આવ્યું કે ઉંદરોના બોન મિનરલ કોન્સન્ટ્રેશન (બીએમસી) અન બોન મિનરલ ડેન્ઝિટી (બીએમડી)માં અન્ય ઉંદરોની તુલનામાં વધારો થયો હતો. આમ પીપનોલ મેદસ્વિતા સાથે સંકળાયેલા જિનના ગુણધર્મોનું નિયમન કરવામાં સફળ રહ્યું હતું.

