બૈજિંગઃ ચીનમાં ૮ વર્ષનું એક બાળક માઇનસ નવ ડિગ્રી ઠંડીમાં અડધો કલાક ચાલીને સ્કૂલે તો પહોંચી ગયું, પણ માસુમને ખબર નહોતી કે થોડાક જ કલાકોમાં તે દુનિયાભરમાં જાણીતો બની જવાનો છે.
પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેની પાસે કેપ કે મફલર નહોતા, જેથી તેણે બરફીલા પવનનો સામનો કરીને ભણવા જવા મજબૂર થવું પડ્યું. કાતિલ ઠંડીના કારણે તેના વાળ પર બરફ જામી ગયો. તેની આ તસવીર 'ફ્રોસ્ટ બોય'ના નિકનેમ સાથે દુનિયાના લોકો સુધી પહોંચી તો લોકોથી પણ તેની આ હાલત ન જોવાઇ.
હવે લોકો તેની મદદે પહોંચ્યા છે. વાંગ ફુમાન નામના આ બાળકની તેમજ તેની સ્કૂલની હાલત સુધારવા માટે લોકોએ ચાર જ દિવસમાં જ બે કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી કરીને સ્થાનિક સ્વૈચ્છિક સંગઠન સુધી પહોંચાડી છે. વાંગ ચીનના યુનાન પ્રાંતના લુડિયનમાં તેની બહેન અને દાદી સાથે રહે છે. તેના પિતા બીજા શહેરમાં મજૂરી કરે છે. તેના પિતા પરિવારને તરછોડી દીધો છે. આઠમી જાન્યુઆરીએ તે સાડા ચાર કિલોમીટર ચાલીને ક્લાસમાં પહોંચ્યો ત્યારે તેના વાળ અને પાંપણો પર સ્નો જામી ગયો હતો અને હાથમાં ફોલ્લા પડી ગયા હતા. તેના ટીચર્સે તેની આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર અપલોડ કરી હતી. લોકો તેની મુશ્કેલી જોઇને દ્રવી ઉઠ્યા હતા અને તેની સહાય માટે નાણાંનો ધોધ વહાવ્યો હતો.

